વડોદરા ખાતે તારીખ ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૫ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અમરેલી જિલ્લાની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલ (DLSS) ના ભાઈઓ-બહેનોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ ૨ સુવર્ણ પદક અને ૩ કાંસ્ય પદક જીતીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વિજેતા ખેલાડીઓની વિગત મુજબ, તાવીયા ગુંજલ અને બાંભણીયા સૃષ્ટિએ સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) મેળવ્યા છે. જ્યારે કાવર ધરમ, વાઘેલા ખુશાલી અને રાજપરા આકાશે કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ખેલાડીઓની આ સિધ્ધિ પાછળ નિયમિત કઠિન પ્રશિક્ષણ, અવિરત મહેનત અને કોચ પુલકીતા નિમ્બાવાલ તેમજ ટ્રેનર્સનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. આ ગૌરવપૂર્ણ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા શૂટર્સ અને કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.