રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમરેલી તાલુકાના આઈ.સી.ડી.એસ. ઘટક-૨ હેઠળ ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પંડ્યા અને જિલ્લા કાર્યક્રમ અધિકારી હિરલબહેન રાજ્યગુરુના માર્ગદર્શન હેઠળ ૯૬ સરકારી આંગણવાડી કેન્દ્રોને આકર્ષક બનાવવાનું લક્ષ્ય રખાયું છે. અત્યાર સુધીમાં ૪૫ કેન્દ્રોમાં કલરકામ અને ચિત્રકામ પૂર્ણ થયું છે, જ્યારે અન્ય ૫૧ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે. વધુમાં, પાંચ કેન્દ્રોમાં રૂ. ૨ લાખની ગ્રાન્ટમાંથી મોટા પાયે રીપેરીંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ નવીનીકરણનો મુખ્ય હેતુ બાળકોને ભયમુક્ત અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે. દીવાલો પરના રંગબેરંગી અને શૈક્ષણિક ચિત્રો બાળકો માટે માત્ર શોભા નથી, પરંતુ અક્ષરજ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું સચોટ માધ્યમ બન્યા છે. આ કલાત્મક વાતાવરણથી બાળકોની એકાગ્રતા અને સર્જનાત્મકતામાં વધારો થઈ રહ્યો છે.










































