આજના ડિજિટલ યુગમાં મોબાઈલ નેટવર્ક ન હોવું એ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક આ બાબત ગંભીર વિવાદનું કારણ બની જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોબાઈલમાં નેટવર્ક ન આવવા જેવી ક્ષુલ્લક બાબતે મ્જીદ્ગન્ના એક ખાનગી કર્મચારીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ધારીના હીરાવા ગામે રહેતા વિનુભાઇ હરીભાઇ ભુવા (ઉ.વ.૫૨) એ તેના જ ગામના કનુભાઇ કેશુભાઇ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ BSNL ના ટાવર વિભાગમાં પ્રાઈવેટ નોકરી કરે છે. આ દરમિયાન આરોપીના મોબાઈલમાં નેટવર્ક આવતું ન હોવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો. નેટવર્કની સમસ્યા માટે તેણે સીધો ટાવર કર્મચારીનો સંપર્ક કર્યો હતો અને તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીએ તેને નેટવર્ક કેમ આવતું નથી તે બાબતે પજવણી કરી બેફામ ગાળો આપી હતી. એટલું જ નહીં, મામલો વધુ બિચકતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન બી માઢક વધુ તપાસ કરી રહ્યા છે.