ભારતીય ક્રિકેટ ટીમે ટી-૨૦ વિશ્વકપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી કારમો પરાજય આપીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક વિજય બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા હતા. સૂર્યકુમાર અહીં વિશ્વકપ ટ્રોફી સાથે એક ખાસ ફોટોશૂટ કરાવવાના છે જે ક્ષણને માણવા માટે વહેલી સવારથી જ પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અડાલજની વાવ ખાતે આજે અનોખો માહોલ સર્જાયો છે જ્યાં લાડીલા ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. નોંધનીય છે કે ભારતીય ખેલાડીઓ સાથે ન્યૂઝીલેન્ડની ટીમના કેટલાક વિદેશી મહેમાનો પણ આ ભવ્ય સ્થાપત્યની કળા અને તેના વારસાને નિહાળવા માટે જોડાયા છે. વિદેશી મહેમાનોએ વાવની કલાત્મક કોતરણી વિશે જાણવા માટે ખાસી ઉત્સુકતા દર્શાવી હતી.










































