રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમને સાર્થક કરવા અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે આગામી સમયમાં સેવાસેતુ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કો આગામી તા. ૧૧-૦૩-૨૦૨૬ના રોજ સવારે ૦૯ઃ૦૦ થી બપોરે ૦૨ઃ૦૦ કલાક દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે યોજાશે. ત્યારબાદ બીજો કાર્યક્રમ તા.૧૮-૦૩-૨૦૨૬ના રોજ જેસીંગપરા પટેલવાડી, શિવાજી ચોક ખાતે સમાન સમયે યોજવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને વિવિધ સરકારી યોજનાઓ, અરજીઓ અને જરૂરી સેવાઓનો લાભ સ્થળ પર જ અને કોઈ પણ વિલંબ વગર મળી રહે તેવો છે. અમરેલી શહેરના તમામ વોર્ડના રહીશો આ તકનો મહત્તમ ઉપયોગ કરી પોતાની વહીવટી પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે ચીફ ઓફિસર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.