બાબરા પંથકમાં સગીરાના અપહરણ અને જાતીય સતામણીના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ જામીન પર મુક્ત થયા બાદ ફરી એકવાર કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભોગ બનનાર સગીરા અને તેના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરતા પોલીસે ફરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝારખંડના આરોપી યુસુફ જમરૂદિન અંસારીએ બાબરા પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ગુનામાં જામીન પર મુક્ત થયા બાદ આરોપી યુસુફ અન્સારીએ સુધરવાને બદલે સગીરાની પજવણી શરૂ કરી હતી. આરોપીએ તેના ઈન્સ્ટા આઈડી પરથી સગીરાના આઈડી પર સતત મેસેજ, રડતા કાર્ટૂન અને શેર-શાયરી વાળા વીડિયો મોકલી વાત કરવા દબાણ કરતો હતો. આરોપીએ સગીરાનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખી તેને પોતાના મોબાઈલમાં લોગિન કર્યું હતું. ઉપરાંત સગીરાની જ્યાં સગાઈ થઈ હતી તે વ્યક્તિને ભોગ બનનાર અને આરોપીના અંગત ફોટાઓ મોકલી તેમજ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કરી સમાજમાં બદનામ કરવાનો અને સગાઈ તોડાવવાનો નીચ પ્રયાસ કર્યો હતો.સગીરા સગીર વયની હોવાનું જાણવા છતાં તેને સોશિયલ મીડિયા મારફતે માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરવા બદલ અને બદનામ કરવાના ઇરાદે કરેલા આ કૃત્ય બાબતે ફરી ફરિયાદ ઉઠી હતી. બાબરા પોલીસે આ મામલે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે અને જામીન પર રહીને ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખનાર આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર.શેઠ વધુ તપાસ કરી રહ્યા છે.







































