અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બિનકાયદેસર રીતે કાપવામાં આવેલા દેશી બાવળના લાકડાં ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યું છે. બૃહદ ગીર વિસ્તારમાં આવેલા વાઘણીયા, ટીબડી, ભોરીંગડા અને ક્રાંકચ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી પડતર, ખરાબો અને ગૌચર જમીનમાં ગાંડા બાવળની આડમાં દેશી કુળના વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ વધી રહી હોવાની સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી.
ગઈ રાત્રે પી.આઈ. એમ.ડી. સાળુંકેની સૂચના અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ મહેશભાઈ ચૌહાણ અને અમીનભાઈ જુણેજા પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોરીંગડા-લીલીયા માર્ગ પર આઈસર (નં. GJ 14 Z 4418) રોકી તપાસ કરતાં તેમાં અંદાજે 9 ટન દેશી બાવળના લાકડાં મળી આવ્યા હતા.
પોલીસે લાકડાંની કિંમત રૂ. 45 હજાર અને ટ્રક કિંમત રૂ. 4 લાખ મળી કુલ રૂ. 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મી ભુજબલદાન ગઢવી, સંજયભાઈ ઈટાલિયા, પંકજભાઈ બગડા અને સંજયભાઈ ધાંધલે સહભાગી રહ્યા હતા.