અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ રોડ પાસે પોલીસે દરોડો પાડી ગરીબોના હકનું રેશનિંગનું અનાજ સસ્તા ભાવે ખરીદી ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડને ઝડપી પાડ્‌યું હતું. પોલીસે આ કાર્યવાહીમાં ઘઉં અને ચોખાના મોટા જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે અમરેલી શહેરના મામલતદાર અને તાલુકા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કલ્પેશકુમાર કુબેરભાઈ દવેએ અફજલ ઇકબાલભાઈ મહીડા, અકીલભાઇ ઓસમાણભાઇ મહીડા,આદીલભાઇ નાનુભાઇ સેલોત, ઇકબાલભાઇ રહીમભાઇ સોલંકી તથા હનીફભાઇ દાઉદભાઇ બીલખીયા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગત મુજબ, અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસે હસુભાઈ સેદાણીના ભઠિયાની પાછળ રેશનિંગના અનાજનો ગેરકાયદે સંગ્રહ થતો હોવાની બાતમી મળી હતી. મુખ્ય આરોપી અફજલ અને તેના સાગરીતો ગામડાઓમાં ફેરી કરી રેશનકાર્ડ ધારકો પાસેથી સરકાર દ્વારા અપાતા સસ્તા અનાજ (ઘઉં અને ચોખા)ની ઓછી કિંમતે ખરીદી કરતા હતા. ત્યારબાદ આ જથ્થો અન્ય વેપારીઓને ઊંચા ભાવે વેચી આર્થિક ફાયદો મેળવી સરકારની સબસિડીને નુકસાન પહોંચાડતા હતા. પોલીસે સ્થળ પર દરોડો પાડી ઘઉંઃ ૧૭૩૦ કિલોગ્રામ, ચોખાઃ ૪૩૩૫ કિલોગ્રામ તથા જથ્થાની હેરફેર માટે વપરાતા જુદા-જુદા વાહનો અને વજન કાંટા મળી અંદાજે રૂ.૮,૬૩,૪૮૫ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સરકારી અનાજનો બિનકાયદેસર સંગ્રહ કરી કાળાબજારી કરવા બદલ મુખ્ય આરોપી અફજલ સહિત તેના અન્ય સહ-આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં અન્ય કયા વેપારીઓ સામેલ છે અને આ જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી.