વડાપ્રધાન મોદીએ ૨૭૨૨ નવા બનેલા ફ્લેટની ચાવીઓ મહિલાઓને સોંપી
વડાપ્રધાન મોદીએ રવિવારે રાષ્ટ્રીય રાજધાની નવીદિલ્હી માં આશરે ૩૩,૫૦૦ કરોડ રૂપિયાના અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન રીડેવલપમેન્ટ યોજના હેઠળ બનેલા ૨,૭૨૨ નવા આધુનિક ફ્લેટનું ઉદ્ઘાટન કર્યું અને કેટલાક મહિલા લાભાર્થીઓને પ્રતીકાત્મક રીતે ઘરોનાં ચાવીઓ સોંપી. સરોજિની નગર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને મહિલા મજૂરો સાથે વાતચીત કરી અને તેમના શ્રમ અને યોગદાનની પ્રશંસા કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશના વિકાસમાં મહિલાઓની ભૂમિકા સતત વધી રહી છે અને સરકાર મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત વડાપ્રધાને વધુ ૬,૬૩૨ નવા ફ્લેટ તેમજ આશરે ૧૫,૨૦૦ કરોડ રૂપિયાના અન્ય અનેક પ્રોજેક્ટ્‌સનું શિલાન્યાસ પણ કર્યું. સરોજિની નગર, નેતાજી નગર, નવરોજી નગર, કસ્તુરબા નગર, ત્યાગરાજ નગર, શ્રીનિવાસપુરી અને મોહમ્મદપુર સહિતના વિસ્તારોમાં ફેલાયેલો આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લગભગ ૫૩૭ એકર વિસ્તારમાં અમલમાં મુકાઈ રહ્યો છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ૯,૩૫૦થી વધુ આધુનિક ફ્લેટ, હરિયાળા ખુલ્લા વિસ્તારો, પા‹કગ સુવિધા, સામાજિક સુવિધાઓ તેમજ આશરે ૪૮ લાખ સ્ક્વેર ફૂટ ઓફિસ સ્પેસ તૈયાર કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે લગભગ ૨૦,૦૦૦ રહેણાંક મકાનોની અછત છે અને આ પ્રોજેક્ટ તે અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દિલ્હી મેટ્રો બે નવા કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું, જેનાથી રાજધાનીના ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધુ મજબૂતી મળશે. તેમાં આશરે ૧૨.૩ કિલોમીટર લાંબા મજલિસ પાર્ક–મૌજપુર–બાબરપુર કોરિડોરનો સમાવેશ થાય છે, જે પિંક લાઇનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ કોરિડોર શરૂ થતાં ઉત્તર અને પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારો વચ્ચે મુસાફરી વધુ સરળ બની જશે. આ ઉપરાંત વડાપ્રધાને લગભગ ૯.૯ કિલોમીટર લાંબા દીપાલી ચોક–મજલિસ પાર્ક કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યું, જે મેજેન્ટા લાઇનનું વિસ્તરણ છે. આ નવા કોરિડોર શરૂ થતાં મેજેન્ટા લાઇનની કુલ લંબાઈ લગભગ ૪૯ કિલોમીટર સુધી પહોંચી ગઈ છે. આ પ્રોજેક્ટથી બુરારી, જગતપુર-વઝીરાબાદ, ખજુરી ખાસ, ભજનપુરા, યમુના વિહાર, મધુબન ચોક, હૈદરપુર બદલી મોર, ભલસ્વા અને મજલિસ પાર્ક જેવા વિસ્તારોમાં રહેતા લાખો લોકોને મેટ્રો નેટવર્કનો સીધો લાભ મળશે. રહેણાંક અને વેપારી વિસ્તારોને મેટ્રો સાથે વધુ સારી રીતે જાડાતા મુસાફરીનો સમય ઘટશે અને ટ્રાફિકનો ભાર પણ ઓછો થવાની સંભાવના છે.
વડાપ્રધાને દિલ્હી મેટ્રોના ફેઝ-૪ વિકાસ યોજના હેઠળ ત્રણ નવા મેટ્રો કોરિડોરનો શિલાન્યાસ પણ કર્યો. તેમાં રામકૃષ્ણ આશ્રમ માર્ગ–ઇન્દ્રપ્રસ્થ કોરિડોર, એરોસિટી–ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ-૧ કોરિડોર અને તુગલકાબાદ–કાલિંદી કુંજ કોરિડોરનો સમાવેશ થાય છે. આશરે ૧૬.૧ કિલોમીટર લાંબા આ નવા રૂટ તૈયાર થયા બાદ સેન્ટ્રલ દિલ્હી, સાઉથ દિલ્હી, નોઇડા અને એરપોર્ટ વચ્ચેની કનેકટીવિટી વધુ મજબૂત બનશે. ખાસ કરીને એરપોર્ટ તરફ મુસાફરી કરતા લોકો માટે આ કોરિડોર મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવા રૂટથી શહેરના મહત્વપૂર્ણ વેપારી અને રહેણાંક વિસ્તારો વચ્ચેની મુસાફરી ઝડપી અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધિત કરતાં જણાવ્યું કે દિલ્હીમાં લાંબા સમયથી અટવાયેલા ઘણા પ્રોજેક્ટ હવે ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે અને શહેરના વિકાસને મિશન મોડમાં આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ અનેક વિકાસ પ્રોજેક્ટ ફાઈલોમાં અટવાયેલા રહેતા હતા, પરંતુ હવે સરકાર ઝડપી નિર્ણય લઈને પ્રોજેક્ટ્‌સને અમલમાં મૂકી રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે સરકાર યમુના નદી ને સ્વચ્છ બનાવવા માટે પણ વ્યાપક કામગીરી કરી રહી છે અને દિલ્હીને આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પશ્ચિમ બંગાળના રાજકારણ અંગે પણ ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે દેશની પરંપરામાં સત્તાનો અહંકાર ક્યારેય લાંબો સમય ટકતો નથી અને અંતે તેનો વિનાશ થાય છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના અપમાન અંગે દેશની જનતા નારાજ છે અને લોકો જવાબદાર લોકોને પાઠ ભણાવશે. વડાપ્રધાને કહ્યું કે આદિવાસી સમુદાયમાંથી આવેલા દેશના રાષ્ટ્રપતિનું અપમાન કરવું એ દેશ અને લોકશાહીની પણ અવગણના છે.
આ સમગ્ર કાર્યક્રમ સાથે દિલ્હીમાં રહેઠાણ, ટ્રાન્સપોર્ટ અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્‌સથી હજારો સરકારી કર્મચારીઓને આધુનિક રહેઠાણ મળશે, શહેરના અનેક વિસ્તારો વચ્ચે મુસાફરી વધુ સરળ બનશે અને રાજધાનીના વિકાસને નવી ગતિ મળશે. આ સાથે દિલ્હીના રહેણાંક વિસ્તારો, વ્યાપારી કેન્દ્રો અને એરપોર્ટ વચ્ચે વધુ સારો જાડાણ ઉભો થશે, જે ભવિષ્યમાં શહેરના આર્થિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.