એ જ્યારે ઘેર આવ્યો ત્યારે પિતાજી હતા નહી. તેણે પૂછ્યું હતું.જવાબમાં નિર્મળાએ કહ્યું હતું”‘આહલપર ગયા છે. રામભાઈને ત્યાં રાંદલ અને કથા છે. આજે કદાચ રાતે ત્યાં રોકાવાના છે.’
‘ઠીક.’ કહી તે આડો પડયો હતો.
‘લે, ચાલ જમી લે.’ થાળી પીરસી, આસન પાથરી, પાણીનો લોટો પિયાલો ભરી નિર્મળાબહેને કહ્યું હતું.
બા આગ્રહ કરી કરીને તેને જમાડતી હતી. અનાયાસ પૂછી બેઠી હતી., ‘બેટા, તને ત્યાં જમવાનું ફાવે છે?’
‘અરે, બા શી વાત કરું? અસ્સલ ઘર જેવી જ રસોઈ બનાવે છે રૂપા.’
‘રૂપા?’ નિર્મળાબહેને પૂછ્યું, ‘એ વળી કોણ?’
‘કોણ બીજું? રાવજીભાઈની દીકરી, પણ બા શી વાત કરું એની તને? રસોઈ તો એની જ હોં બા. જાણે આંગળાં જ ચાટી જઈએ એવી રસોઈ બનાવે. એના હાથના બાજરાના રોટલા, આખા રીંગણાનું શાક, એના હાથની લાપસી તો ખાધા જ કરીએ એવું થાય. અને કઢી? કઢી તો રૂપા જ બનાવી જાણે. બીજા કોઈનું કામ નહીં.’
‘છતાં પણ બા યાદ આવે ખરીને?’
‘લે, તું તો જો, કેવી વાત કરે છે? તું કાંઈ થોડી એમ ભુલાય?’ તને હું થોડો ભૂલી શકું? આ તો તેં જમવાની વાત કરી એટલે મેં તને કીધું. હું કાંઈ ખોટું નથી બોલતો. તું ખોટું નહીં માનતી. ખાતરી કરવી હોય તો આવ મારી સાથે બાદલગઢ. તને રૂપાના હાથની રસોઈ ચખાડું, પછી તું જ કહીશ , કે ના ના…આનંદ ખોટું નથી બોલતો.’
‘તો સારું. મને હવે તારી ચિંતા નહીં થાય.”
‘જરાય નહીં કરવાની. એ લોકો મારું કેટલું બધું ધ્યાન રાખે છે. એ તો તું ત્યાં આવીને, જોને પછી ખબર પડે.’
આનંદ જમીને ઊભો થયો અને ખાટલા ઉપર આડો પડ્યો. આંખો ઘેરાવા લાગી હતી.. આનંદને ખાટ ઉપર જ સૂતો જાણી નિર્મળાબહેને તેને ઢંઢોળીને કહ્યું, ‘તું ઉપર જઈને તારા રૂમમાં જ સૂઈ જજે બેટા. નહીંતર બેય બગડશે. હમણાં ઓલી કાનુ, ચંપા, લખમી આવશે. તને સૂવા નહીં દે.’ જવાબમાં તેણે કહ્યું હતું.
‘કાલ આખી રાત ઊંઘ જ નથી આવી. એમાં પાછું મારા પિતાજીએ એમ લખ્યું હતું કે તાત્કાલિક જરૂરનું કામ પણ છે એટલે એની ચિંતા.’ કહી તે અટક્યો હતો, ‘એવું તો શું કામ હતું બા?”
‘એ પછી નિરાંતે વાત.’ નિર્મળાબહેન હસતાં હસતાં રસોડામાં ચાલ્યા ગયાં હતાં.આનંદ કળી ન શક્યો. જે હોય તે વિચારી ઉપર જઈને સૂઈ જવાનો વિચાર કરી ઊભો થયો.
આમ તો ગામમાં જવાનું મન થયું. પણ થાક અને ઊંઘને લીધે તેણે બહાર જવાનું માંડી વાળ્યું અને ઉપર જઈને સૂઈ ગયો. બંધ આંખોમાં રૂપા નામનું પંખી પાંખો ફફડાવી ને આવી બેઠું….
**
આ તરફ પણ રૂપા ઉદાસ હતી. એ ધીમે ધીમે પગથિયા ચડીને મેડા ઉપર આવી.આનંદ વગરનો મેડો સાવ સૂનો હતો.સૂનો તો હતો પણ સૂનકાર પણ ફેલાયેલો હતો..તેના કાળજે જાણે કસક ખૂંચી.અને આનંદના વિરહમાં જાણે અજાણે આંખોમાં બે ચાર આંસુ પણ ઉમટી આવ્યા.તેણે આંખો લૂછી. આનંદ નો પડઘો ગુંજી રહ્યો. જાણે હમણાં બોલ્યો કે બોલશે..ની ભ્રાંતિ થઈ ઊઠી. એણે બારીમાંથી બહાર જોયું. તેને ખબર હતી કે પોતે જ્યારે વાડીએ જવા નીકળતી ત્યારે આનંદ તેને આ બારીએ ઊભા રહી તાક્યા જ કરતો. એ એને ગમતું.તેની અંદર કશુંક સળવળ થઈ ઊઠતું.આ આનંદ આવ્યા પછી કોણ જાણે અંદરથી એકલું એકલું પણ ગમવા માંડ્યું હતું પણ એ આનંદ માં આનંદ પણ સહભાગી થાય તેવું એ ઇચ્છતી રહેતી.અને આનંદ પણ એ જ રીતે તેની નજીક ને નજીક આવી રહ્યો હતો એનો અહેસાસ અત્યારે તેને થઈ રહ્યો.કે પોતે પણ આનંદ ની કેટલી બધી નજીક આવી ગઈ હતી!.
તેણે પથારી ઉપર ગડી કરીને વાળેલી ચાદર હાથમાં લીધી.તો આનંદ જે પરફ્યુમ, કપડાં ઉપર રોજે રોજ છાંટતો તેની સુગંધ તેના શ્વાસમાં સમાઈ વળી.. તેણે એ ચાદરને ચૂમી લીધી.
*
આનંદ ને વળી વળી ને એક જ વિચાર આવતો હતો કે બાપુજીએ પત્રમાં આ બાબતે તેને જાણ કરવી જરૂરી હતું.કે વાત આમ છે!હવે એ બાબત જ પિતાજીએ ગોપિત રાખી એ એને જરાય ગમ્યું નહોતું પિતાજીએ ખુલાસો કરતા પોતાને કહ્યું કે તને ખાસ આટલા માટે બોલાવ્યો છે. શું પિતાજીનું આ પ્રકારનું પગલું યોગ્ય છે? એ પોતાની જાતને પૂછી રહ્યો.પણ શું થાય? .અને હવે તો…બધું પૂરું થઈ ગયું!
બા કહેતી હતી કે ઘરબાર સારું અને ખાનદાન છે. ખાધેપીધે કુટુંબ સુખી હતું જ, સમૃદ્ધ પણ હતું. ઘરે મોટરકાર પણ હતી. અહીં આવ્યાના બીજા જ દિવસે બા-બાપુજીએ તેને પાસે બેસાડીને વાત કરી હતી.અને પોતે ના પાડી બેઠો હતો. સહેજ ગુસ્સામાં આવીને. તેણે કહી દીધું હતું, ‘…પણ તમારે મને પૂછવું તો જોઈએને? મને હજુ ‘ સેટ તો થવા દો.’
‘હવે સેટ થવામાં શું બાકી છે? વરસ પછી તો તું નોકરીમાં કાયમી બની જઈશ.’
જવાબમાં તેણે કહ્યું; ‘હમણાં લગ્ન માટેનો મારો કોઈ વિચાર નથી, પિતાજી.’
‘આપણે ક્યાં ઉતાવળ છે બેટા? પણ ઘર-કુટુંબ-કન્યા બધું સારું જ હોય તો જોવામાં ક્યાં વાંધો છે?’ નિર્મળાબહેન બોલી ઊઠ્યા હતા. ત્યાં જ કાંતિલાલે પણ કહ્યું, ‘હવે અમારીય ઉંમર થઈ અને તનેય આવતાં માગશરમાં વીસમું ઊતરીને એકવીસમું બેસશે એટલે હવે થાય છે કે ઘરમાં વહુ આવી જાય એટલે નિરાંત.!”
માતાપિતાની બે કલાકની માથાકૂટ પછી આનંદને થયું કે હવે આ પ્રૌઢાવસ્થા વટાવીને આયખાને ઉંબરે ઊભેલું દંપતી મારી “ના” નો આઘાત કે ઘા જીરવી નહીં શકે… તો પછી રૂપા? તો પછી રૂપાની સાથે જિંદગી ગુજારવાના સમણાનું શું? પણ ના રે ,ના.મનવા. ! એવી છોકરી સાથે કાંઈ થોડાં લગ્ન થાય? સમાજ, કુટુંબ, રૂઢિ, પરિવાર અને જ્ઞાતિવાદનાં બંધનોએ પોતાને જાણે બાંધી દીધો છે. છતાં પણ તેને ભીતરથી તો થતું જ હતું કે રૂપાને તે પોતાના હૈયાથી તો ક્યારેય વેગળી નહીં કરી શકે. જિંદગીના અંતિમ શ્વાસ સુધી નહીં ભૂલી શકે. રૂપા તો પોતાના નામની પાછળ આવતું પૂર્ણવિરામ છે. એને કોઈ નહીં ભૂંસી શકે.
પોતાની અને રૂપાની વચ્ચે મમતાના જેટલાં પણ અદૃશ્ય બંધન હતાં તેને પોતાના હાથે જ કાપીને કોઈ નવા પાત્ર સાથે એ જ બંધન જોડવાનાં હતાં. શું કરવું? મઝધારે વમળ માં અટવાઈ ગયો હતો.તેને માં બાપે નિર્ણય કરવાની કે વિચારવાની તક જ આપી નહીં.અને હવે , જિંદગીનું આ એક એવું ‘એડ્જેસ્ટમેન્ટ’ હતું જેને અનુરૂપ થઈને હવે જીવવાનું હતું!.તેમ છતાં તેણે હર્ષદને વાત કરી.તો હર્ષદ તો ઊલટાનો તેની ઉપર ઉતરી પડ્યો હતો. જિંદગી તેને વ્યર્થ લાગી. અને તે ઘેર થી નીકળી ગયો.ટ્રેન ના ધડધડાટ માં તેની જિંદગી પણ છુટ્ટી ગયેલા એક એકલા અટુલા રેલવે સ્ટેશનની માફક દોરાહા ઉપર ઊભી હતી.લાંબી ખેપ કરીને આવેલો કોઈ મુસાફર , એક ક્ષણ માટે મોડો પડે અને ટ્રેન ચૂકી જાય ,બસ એવી જ મનોદશા આનંદ ની અત્યારે તો હતી!
(ક્રમશઃ)














































