રામના વ્યક્તિત્વનો ભારતીય જનજીવનના પર ઘેરો પ્રભાવ છે. પોતાની જિંદગી અનેક પ્રકારના સંઘર્ષમાં વીતાવી હોવા છતાં રામ ભારતીય પ્રજા માટે આદર્શ છે. એક રાજકુમાર હોવા છતાં એમણે સામાન્ય મનુષ્ય ભોગવે એનાથી પણ અધિક દુઃખો ભોગવ્યા છે. છતાં એક પણ દુઃખમાં તેઓ હારી કે થાકી ગયા નથી. પિતાને કે પિતાના વચનને અનુસરવું એ કોઇ આસાન કામ નથી. રાજા દશરથ અંગે એનાથી પણ વધુ મહત્વનું એ છે કે સંતાનો પર પોતાનું વાત્સલ્ય એટલું બધું હોય કે પોતાના એક પણ વચનનો સંતાનો અનાદર ન કરી શકે એ સ્થિતિ નિર્માણ કરવી પણ એટલી જ અઘરી છે. રામે પિતાના વચનનું પાલન કર્યું એમાં એ વાત વધુ મહત્વની છે કે મહારાજ દશરથનું પિતૃત્વ જ એટલું ઘટાદાર હતું કે એમના એક પણ શબ્દનું રામ ઉલ્લંઘન કરી ન શકે.
રાજા દશરથે રામને પોતાના હૃદયને સમાંતર રાખ્યા હતા અને પછી સ્થિતિ એવી આવી ગઈ કે રામ જ દશરથનું હૃદય બની હતા. એ જ કારણસર રામની વનગમન વેળાએ દશરથનો આત્મા અંતરીક્ષમાં ગમન કરી ગયો. આપડે રામને વંદન કરીએ છીએ એની સાથોસાથ દશરથના પિતૃત્વને પણ વંદન કરવા જોઈએ. આપણે જેટલી રામની ઉપાસના કરીએ છીએ એટલા એમના સદગુણોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ.
સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાને કારણે રામજન્મભૂમિ પર, એટલે કે અગાઉના વિવાદાસ્પદ સ્થળે અયોધ્યામાં હવે રામ મંદિરનું નિર્માણ થશે. હમણાં થોડો સમય રામ ભક્તિનો પ્રલય થશે અને પછી શમી જશે. ભક્તિ તો સર્વકાલીન છે, પ્રાસંગિક નથી. આપણા દેશમાં તો પણ લોકહૃદયમાં રામ અને કૃષ્ણ સમાન ઊંચા આસને બિરાજે છે. રામની લોકપ્રિયતાનું કારણ એ છે કે તમામ દૈવી ક્ષમતાઓ અને મહાન વિદ્યાઓ હોવા છતાં એમણે સતત એક સામાન્ય મનુષ્ય જેવી જિંદગી અને એવી જ વિટંબણાઓને સ્વીકારીને સંઘર્ષ કરીને એમાંથી બહાર આવવાનો ઉપક્રમ રાખ્યો. રામનું મંદ મંદ હાસ્ય કરોડો ભારતીયોના દિલમાં વસેલું છે.
આપણી પાસે રામની બાળલીલાના બહુ પ્રસંગો નથી. રામના ચરિત્રમાં લીલા તો હોય જ નહિ. રામ ધીરોદાત્ત એટલે કે પરમ ધૈર્યવાન અને મહાન નાયક છે. લીલાઓનો લીલાધર શ્રી કૃષ્ણ છે. એટલે જ રામને મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની મર્યાદાઓ અને ઉચ્ચ સંસ્કારના ગિરિશિખરો પર રામનું આસન છે. રામ વશિષ્ઠ અને વિશ્વામિત્રના શિષ્ય છે. એને કારણે એમનામાં વિશ્વામિત્રની અમોઘ ધનુર્વિદ્યા અને વશિષ્ઠની સંયમિત જ્ઞાનધારા સમાયેલી છે. રામ એક શાન્ત સાગર જેવી પ્રતિભા છે. ભારતીય પ્રજા શાંતિપ્રિય છે એટલે એને બહુ ઝડપથી રામમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. વાલ્મિકીએ લખેલું રામાયણ તેમનો સાક્ષાત્કાર થયા પછી અને રામનો પૂર્ણ અનુભવ થયા પછી લખાયેલું છે તો પણ વાલ્મિકી કૃત રામાયણમાં સીતાજીનો એટલો બધો પક્ષપાત કરવામાં આવ્યો છે અને રામપર કેટલાક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે એને કારણે ભારતીય પ્રજામાં વાલ્મિકી રામાયણ લોકપ્રિય થયું નથી.
એટલું જ નહીં ભારતમાં ક્યાંય પણ વાલ્મિકી રામાયણની પારાયણ થતી નથી. છતાં એ ગ્રંથને સૌથી વધુ આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે કારણ કે રામ અને વાલ્મિકી બંને સમકાલીન હતા. રામે જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજીએ ઋષિ વાલ્મિકીના આશ્રમમાં જ આશ્રય લીધો હતો. એ સમયે લવકુશના જન્મને થોડી વાર હતી. પછીથી સીતાજીએ બે પુત્રોને જન્મ આપ્યો હતો. લવ અને કુશ બંને પુત્રો રામની પ્રતિભા જેવા જ મનોહર અને શીલવંત હતા. વાલ્મિકી ઋષિએ એમને ધનુર્વિદ્યાના રહસ્યમય મંત્ર પણ શીખવાડ્યાઊ હતા, જેને કારણે બાલ્યકાળે જ લવકુશે રામના અશ્વમેધ યજ્ઞ દરમિયાન છુટા મુકાયેલા અશ્વને પકડ્યો હતો અને લક્ષ્મણની ચતુરંગી સેના ને પરાજિત કરી હતી.
વાલ્મીકિ રામાયણમાં રામનું એક મનુષ્ય તરીકે નું ચરિત્ર ચિત્રણ છે. પણ સર્વશ્રેષ્ઠ મનુષ્ય તરીકે તેમને આલેખવામાં આવ્યા છે. વાલ્મિકીએ નારદજીને એવો પ્રશ્ન કર્યો હતો કે મને કોઈ એવા મનુષ્યનું નામ આપો કે જેનું ચિંતન કરવાથી મારા હૃદયમાં રહેલો શોક દૂર થાય, ત્યારે નારદજીએ વાલ્મિકીકને દશરથપુત્ર રામ પર ચિંતન કરવાનું કહ્યું હતું. રામ અને સીતાનું દાંપત્યજીવન થોડું વેરવિખેર છે. એને કારણે આપણે ત્યાં નવદંપતીને સીતારામ જેવા દાંપત્યના આશીર્વાદ આપવામાં આવતા નથી પરંતુ શિવ અને પાર્વતી જેવા અથવા તો વશિષ્ઠ અને અરુંધતી જેવા દાંપત્યજીવનના આશિષ વચન આપવામાં આવે છે. સીતા અને રામનું જીવન સંઘર્ષમય પસાર થયું છે.
તો પણ ભારતીય પ્રજા સીતારામને જ નજર સમક્ષ રાખીને જીવન પસાર કરે છે. રામે સદાય પોતાની પ્રજાના સુખની કામના કરી છે અને પ્રજાએ સદાય રામને પોતાના પ્રિય રાજાની જેમ હૃદય પર રાખ્યા છે. આજે પણ ભારતમાં રામરાજ્ય શબ્દ સર્વ શ્રેષ્ઠ શાસન માટે પ્રયોજાય છે, જે બતાવે છે કે રામે જેટલા પણ વર્ષ શાસન કર્યું હશે તે સંપૂર્ણ ન્યાયિક અને સર્વશ્રેષ્ઠ હશે. રામે પિતા દ્વારા ઉચ્ચારાતા
આભાર – નિહારીકા રવિયા વચનનું પાલન કરવાનો આદર્શ ભારતીય પ્રજા સમક્ષ મૂક્યો. સમગ્ર રામાયણનો આત્મા જ એ છે કે બીજાના સુખ માટે જીવન પસાર કરવું અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું. એની સામે મહાભારતમાં માત્ર પોતાના સુખની ચિંતા કરનારા અનેક પાત્રોનો કોલાહલ છે, જેની વચ્ચે પંચદલ કમલની જેમ પાંચ પાંડવોનું વ્યક્તિત્વ પૂરબહારમાં ખીલે છે. છેવટે વિજય પાંડવોનો જ થાય છે. કારણ કે તેઓ ધર્મના પક્ષે હતા. પરંતુ રામાયણમાં તો રાવણ કે કૈકેયી કે શૂરપંખા જેવા થોડાક જ પાત્રો છે કે જેઓ અધર્મનો આશ્રય લે છે. એ સિવાય રામાયણના દરેક પાત્રને પોતપોતાની આભા અને પોતાની ધર્મ ચેતનાનું અદ્વિતીય તેજ છે.












































