જાફરાબાદના મીઠાપુર ગામે પોતાની દીકરી સાથે સંબંધ રાખવાની ના પાડતા પિતા પર પ્રેમી અને તેના સાથીદારોએ લાકડીઓ અને ઢીંકાપાટુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. ભીમાભાઈ રામજીભાઈ ગુજરીયા (ઉ.વ.૪૮)એ સોમાતભાઈ ખોડાભાઈ શિયાળ, ચીંથરભાઈ ખોડાભાઈ શિયાળ તથા મણીબેન ખોડાભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી કિરણબેનને સોમાતભાઈ શિયાળ સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધના કારણે દીકરી તેના પરિવારથી અલગ રહેતી હતી અને પિતાનું કહેવું માનતી ન હતી. પોતાની દીકરીનું ઘર ન બગડે તે હેતુથી પિતાએ અવારનવાર આરોપીને સમજાવ્યો હતો કે તે તેની દીકરી સાથે કોઈ સંબંધ ન રાખે. તેમની આ સમજાવટની દાઝ રાખીને આરોપીએ બિભત્સ ગાળો આપી લાકડી વડે હિંસક હુમલો કર્યો હતો.
આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ટાંકા આવ્યા છે અને શરીરે અન્ય મુંઢ ઈજાઓ પણ થઈ છે. આરોપીઓએ તેમને ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સોમાતભાઈ ખોડાભાઈ શિયાળ (ઉ.વ.૪૫)એ ભીમાભાઈ રામજીભાઈ ગુજરીયા તથા રામુબેન ભીમાભાઈ ગુજરીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી ભીમાભાઈ રામજીભાઈ ગુજરીયા તથા આરોપી રામુબેન તેમના ઘર આગળથી હાથમા લાકડી લઈને ગાળો બોલતા-બોલતા નિકળતા સાહેદ-મણીબેન તથા ચીંથરભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી તેમને સારૂ નહિ લાગતા આરોપી ભીમાભાઈ ગુજરીયાએ તેમની તથા સાહેદ સાથે ઝગડો કરી ગાળો આપી હતી. તેમજ સાહેદ મણીબનને ડાબા હાથે તથા સાહેદ ચીંથરભાઈને જમણા હાથે લાકડીથી માર મારી મુંઢ ઈજાઓ કરી, મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી એન પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.









































