જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે સમાધાનના બહાને બોલાવી ઝાપડીયા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનામાં ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા ૫૫ વર્ષીય છગન ઝાપડીયા નામના આધેડની હત્યા કરવામાં આવી છે. જ્યારે આ ઘટનામાં છગન ઝાપડીયાના પુત્ર નિલેશ ઝાપડીયાને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
હાલ આ બનાવ સંદર્ભે ફાર્મા કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરનારા ૩૦ વર્ષીય શૈલેષ ઝાપડીયા નામના વ્યકિત દ્વારા રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર, આ બનાવનો આખો ઘટનાક્રમ ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયો હતો, જ્યારે ભોગ બનનાર નિલેશ ઝાપડીયા તેમજ તેના ગામના બાબુ ઝાપડીયા સહિતના વ્યકિત ઓ ખાંડા હડમતીયા ગામની સીમમાં રસિક ઝાપડીયાની વાડીએ લગ્ન પ્રસંગ અર્થે બુલેટમાં જતા હતા. દરમિયાન રાજકોટ જસદણના શિવરાજપુર ગામ ખાતે રહેતા સંજય મુંધવા નામના વ્યકિત સાથે રસ્તામાં વાહન ઊભું રાખવા બાબતે બોલાચાલી થઈ હતી.
શૈલેષ ઝાપડીયાની ફરિયાદમાં ઉલ્લેખ મુજબ, આ બોલાચાલીના સમાધાન બાબતે એક દિવસ બાદ એટલે કે ગઈકાલે ૧૩મી ફેબ્રુઆરીએ બંને પક્ષના લોકો ભેગા થવાના હતા. ત્યારે શિવરાજપુર ગામના નારાયણ મુંધવા નામના શખ્સે મારી નાખવાના ઇરાદે છોટા હાથી જેવું વાહનને બેફામ રીતે ચલાવી તેને પીડિત ફરિયાદી પક્ષ પર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જાકે ફરિયાદી પક્ષના લોકો સ્વ બચાવમાં સાઈડમાં દોડીને જતા તેઓ બચી ગયા હતા અને ઘટનાસ્થળે દોડધામ મચી હતી.
વધુમાં, ઘટના દરમિયાન વજા મુંધવા નામના અન્ય એક શખ્સે પોતાના હાથમાં રહેલ છરી વડે છગન ઝાપડીયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. છગન ઝાપડીયાને પેટમાં આમ તેમ છાતીના ઘા ઝીંકી દેવામાં આવતા તેમનો નાનો દીકરો નિલેશ પોતાના પિતાજીને બચાવવા વચ્ચે પડ્યો હતો, ત્યારે વજા મુંધવાએ તેને પણ પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. દરમિયાન નારાયણ મુંધવા, સાગર મુંધવા દ્વારા લાકડી વડે ફરિયાદી શૈલેષ ઝાપડીયા સહિતના વ્યકિતઓને માર મારવામાં આવ્યો હતો.
થોડી મિનિટો સુધી ચાલેલો આ લોહિયાળ ખેલ શાંત પડતા જ ગંભીર રીતે ધાયલ છગન ઝાપડીયા તેમજ નિલેશ ઝાપડીયાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જાકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે છગન ઝાપડીયાને મૃત જાહેર કર્યા હતા. તેમજ નિલેશને વધુ સારવારની જરૂર હોવાથી રાજકોટ ખાતે ખસેડવાની સલાહ આપી હતી, જેથી નિલેશને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો.
આમ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી સાથે શૈલેષ ઝાપડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે બીએનએસની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૬૧(૨)(છ), ૩૫૨ સહિતની કલમ અંતર્ગત આરોપી સંજય મુંધવા, વિરમ મુંધવા, વજા મુંધવા, નારણ મુંધવા, સાગર મુંધવા સહિતના મુંધવા કૌટુંબિક ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ સંદર્ભે ઇન્વેસ્ટીગેશન ઓફિસર એસ. આર. ગોહિલે વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ઘટનામાં પાંચ આરોપીઓ પૈકીના એક નારણ મુંધવાને પણ ઇજા પહોંચી છે. તેની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે નારણ મુંધવા સિવાયના અન્ય ચાર આરોપીને જસદણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવ્યા છે.











































