પ્રવર્તમાન સમયમાં ખેતરની જરૂરિયાતને ધ્યાનમાં લીધા સિવાય આપવામાં આવતા પિયત, ખાતર, જંતુનાશક, નિંદામણ વગેરેની એકસરખી કૃષિ ઉત્પાદન સામગ્રી આપવાના કારણે પરિબળની ઉત્પાદકતા ઘટી રહી છે. વધુમાં પર્યાવરણને નોંધપાત્ર નુકસાન થયું છે. પ્રિસિઝન ફાર્મિંગનો મુખ્ય ઉત્પાદક સામગ્રી (પાણી-ખાતર-કીટનાશક વગેરે)ના ઉપયોગમાં ઘટાડો કરી વધુ ઉત્પાદન મેળવવાનું છે. પ્રિસિઝન, ફાર્મિંગમાં સ્થાનિક પર્યાવરણનો ચોકસાઈપૂર્વક ક્યાસ કાઢવા કોમ્પ્યુટર, ગ્લોબલ પ્રોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) અને રિમોટ સેન્સિંગ ડીવાઈસનો ઉપયોગ કરી એ નક્કી કરવામાં આવે છે કે, સ્થાનિક સમસ્યા અને કુદરતમાં પાકને મહત્તમ કાર્યક્ષમતાએ ઉગાડવો. આ ખેત પદ્ધતિ દ્વારા ચોક્કસ માહિતી ખેડૂતોને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
પ્રિસિઝન ફાર્મિંગ વિકાસ માપની તાંત્રિકતામાં નવીન સમાવેશ સુધારો કરી ક્ષેત્રવ્યવસ્થાપનને તે એક નવીન ઓળખ આપે છે, જેમાં કોમ્પ્યુટિંગ સાથે ઈલેક્ટ્રોનિકનો સમન્વય કરવામાં આવે છે. પ્રિસિઝન ફાર્મિંગ સામાન્ય રીતે પ્રિસ્ક્રિપ્શન ફાર્મિંગ, સાઈટ સ્પેસિફિક ફાર્મિંગ, બદલાતા દરે તાંત્રિકતા, સ્માર્ટ ફાર્મિંગ, સ્થાનિકના- ચોક્કસ ક્ષેત્રિય વ્યવસ્થા અને સ્પેશિયલી વેરીએબલર ફાર્મિંગ એમ વિવિધ નામે ઓળખાય છે.
પ્રિસિઝન ફાર્મિંગના હેતુઓ:
(૧) ઉત્પાદન કાર્યક્ષમતા વધારવી (૨) પેદાશની ગુણવત્તા સુધારવી (૩) સાધન સામગ્રીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ (૪) પ્રાકૃતિક સંસાધનોનું ડીગ્રેડેશન ઘટાડવું (૫) ઊર્જા બચાવ / સંરક્ષણ (૬) જમીન અને પાણીનું સંરક્ષણ
પ્રિસિઝન ફાર્મિંગના મૂળભૂત ઘટકો:
(૧) વિવિધતાને સમજવી અને માપન (૨) ખેતરમાં ચોક્કસ સ્થાનિક વિવિધતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેને જરૂરી ઈનપુટ્સ સામગ્રીનું વ્યવસ્થાપન (૩) સ્થાનિક ચોક્કસ પદ્ધતિની કાર્યક્ષમતા કાર્યદક્ષતાનું માપન.
પ્રિસિઝન ફાર્મિંગના ગુરૂચાવીરૂપ ત્રણ તત્વો:
(૧)માહિતી: પાકની વાવણીથી કાપણી સુધીની દરેક અવસ્થા પ્રમાણે સમયસર અને ચોક્કસ માહિતીની આવશ્યકતા છે.
(૨) તાંત્રિકતા: વર્તમાન-નવીન તાંત્રિકતા જેવી કે સંગણક (કોમ્પ્યુટર) જે આંકડાની ગોઠવણી અને વ્યવસ્થાપન માટે વધુ અસરકારક છે.
(૩) વ્યવસ્થા: ઉપલબ્ધ માહિતી અને તાંત્રિકતાનો સમન્વય કરવો.
પ્રિસિઝન ફાર્મિંગ માટે તાંત્રિકતા:
(૧) કોમ્પ્યુટર: પ્રિસિઝન ફાર્મિંગ માટે ખાસ જરૂરી અને ઉપયોગી કોમ્પ્યુટર છે જેના દ્વારા અસંખ્ય આંકડાકીય માહિતીનું ખૂબ જ ઓછા સમયમાં પૃથક્કરણ કરી જરૂરી દિશાસૂચન કરવામાં મદદરૂપ થાય છે. (૨) ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ): આ તાંત્રિકતા વડે કૃષિ ઉત્પાદનમાં પાકનો વિવિધ અવસ્થાઓએ પૃથ્વીની સ્થિતિની માહિતી મેળવી શકાય છે જેનાથી પ્રિસિઝન ફાર્મિંગમાં કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન મળે છે. (ક્રમશઃ)











































