પાકિસ્તાનના કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ગત ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમનું અવસાન થયું હતું.
ગંભીર હાલતમાં કરાચી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા માછીમાર ભગાભાઈ સાથે માનવ અધિકારોનું હનન થાય તે પ્રકારે હોસ્પિટલના પલંગ પર લોખંડની બેડીઓ સાથે બાંધીને સારવાર કરવામાં આવતી હોય તેવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને માછીમારોમા પાકિસ્તાન સામે રોષ જાવા મળી રહ્યો છે.
પાછલા કેટલાક વર્ષથી ભારતીય માછીમારો માટે પાકિસ્તાનની જેલ મોતની જેલ બની રહી છે, જેલમાં રહેલા ભારતના માછીમારો બીમાર થતાં સારવારની કોઈ યોગ્ય સુવિધા ન હોવાને કારણે અત્યાર સુધી અનેક માછીમારોએ પોતાનો જીવ પાકિસ્તાનની જેલ અને હોસ્પિટલમાં ગુમાવ્યો છે. જેમાં વધુ એક હતભાગી માછીમાર તરીકે ૩૮ વર્ષના ભગાભાઈ બામણીયાનું નામ પણ ઉમેરાયું છે. ઉના તાલુકાના ચીખલી ગામના ભગાભાઈ બામણીયા નામના માછીમાર કરાચીની જેલમાં બંધ હતા, ત્યારે અચાનક બીમાર પડતા તેમને પાકિસ્તાનની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૧૬મી જાન્યુઆરીના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
કરાચીની જેલમાં રહેલા ભારતના બંધક માછીમારો બીમાર પડવાની સ્થિતિમાં તેમને કરાચીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં ભગાભાઈ બામણીયા જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, ત્યારે તેમને પગમાં લોખંડની બેડી સાથે હોસ્પિટલના પલંગ સાથે બાંધવામાં આવ્યા હતા. આ પ્રકારનો અમાનવીય વ્યવહાર અને માનવ અધિકારોનું ઉલ્લંઘન પાકિસ્તાનના સત્તાધીશો કરી રહ્યા હોવાનો સીધો આરોપ સમુદ્ર સુરક્ષા શ્રમિક સંઘના પ્રમુખ અને માછીમારોની સમસ્યા સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે વાતચીતનું માધ્યમ બનેલા બાલુભાઈ સોચાએ કરી છે. બાલુભાઇ વર્ષ ૨૦૦૦ થી સતત ભારતના માછીમારોની સમસ્યાને ઉજાગર કરવા અને તેને રાજ્ય અને ભારત સરકાર સમક્ષ મૂકવાની જવાબદારી નિભાવી રહ્યા છે, તેઓ માછીમારની સમસ્યાને લઈને અગાઉ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ મળી ચૂક્યા છે. પરંતુ દર વર્ષે ભારતના માછીમારોનું મધદરીયેથી પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા અપહરણ કરાઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું છે.
હજુ પણ ભારતના ૨૦૦ જેટલા માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાનની જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. મૃતક ભગાભાઈ બામણીયાનું ૧૮મી ફેબ્રુઆરી ૨૦૨૨માં પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની બોટ બુરાક સાથે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ માછીમારોની સાથે અપહરણ કરાયેલા ભગાભાઈ બામણીયાને પાકિસ્તાનની કરાચી જેલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં ૧૬મી જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે તેમનું અવસાન થયું હતું. મૃતક ભગાભાઈના પરિવારમાં તેમના વૃદ્ધ માતા, પત્,ની બે પુત્ર અને એક પુત્રી હોવાની વિગતો પણ સામે આવી છે પાછલા બે વર્ષમાં ભારતની સૌથી ઓછી બોટનું અપહરણ પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેની પાછળ ભારતીય જળસીમામા સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવતા સતત પેટ્રોલિંગ અને ચોક્કસ પૂછપરછને કારણે ભારતના માછીમારો આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળંગીને પાકિસ્તાન તરફ જતા નથી. પાછલા કેટલાક વર્ષોથી દરિયામાંથી ડ્રગ્સ ઘુસાડવાની એક ચેન શરૂ થઈ હતી. જેના કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સીમા માંથી દરિયાઈ માર્ગે ભારતમાં આવતા ડ્રગ્સને રોકવા માટે સઘન તપાસ કરે છે,









































