અમદાવાદ આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પર નશીલા પદાર્થો સામે કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી સતત યથાવત્ છે. તાજેતરમાં કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરને ઝડપી પાડી તેની પાસેથી મોટી માત્રામાં નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.
કસ્ટમ્સ અધિકારીઓની તપાસ દરમિયાન મહિલા મુસાફરના સામાનમાંથી ચોકલેટ અને ખોરાકના કુલ ૯ પેકેટ શંકાસ્પદ રીતે મળી આવ્યા હતા. તપાસ કરતાં આ પેકેટોમાં ગાંજા છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું. કુલ ૯ પેકેટમાંથી અંદાજે ૯૪૮ ગ્રામ હાઈડ્રોનિક ગાંજા મળ્યો હતો.જપ્ત કરાયેલા નશીલા પદાર્થની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. ૯૪.૮ લાખ આંકવામાં આવી છે. ફીલ્ડ ટેસ્ટ દરમિયાન આ પદાર્થ ગાંજા હોવાનું નિશ્ચિત થયું હતું.
કસ્ટમ્સ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા મુસાફરની ધરપકડ કરી છે અને આ નેટવર્ક પાછળ કોણ સંકળાયેલું છે તેની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સતત થતી આવી કાર્યવાહીથી નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય  સ્મગલિંગ  સામે કડક સંદેશો ગયો છે.