આજે સોમવારે સવારે સોલા ભાગવત પાસે એએમટીએસ બસમાં આગ લાગી હતી. આ આગને કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાકે, સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ આખી બસ ભડભડ બળી રહી હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ બસમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રૂટ ૫૦૧ની બસ ૩૯ અડાલજ ત્રિમંદિરથી ઉજાલા તરફ જતી હતી. આ દરમિયાન સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જીન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે બસ તાકીદે સાઇડમાં કરીને ઊભી રાખી હતી. જે બાદ પ્રવાસીઓને નીચે ઉતારી પછી મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી. જાકે, થોડી જ વારમાં આગ ચાલુ થઈ જતા કંડક્ટરે તરત ઇમરજન્સી ૧૧૨ માં ફોન કરીને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરી હતી. બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી ૬ સીટો અને ફ્લોર, સીલિંગ સળગી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે આવેલ છે. ફ્લાઈંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપરવાઇઝર સ્થળ પર હાજર છે.
આ ભીષણ આગની જાણ થતાની સાથે ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાકે, આ અંગે વધુ તપાસ થશે તે બાદ જ આ અંગેની જાણ થઈ શકે છે.