આજુબાજુ નજર નાંખો તો હા-એ-હા કરનારા ઘણા મળશે પણ તમારી વાત સાથે સંમત થનારા બહુ ઓછા મળશે. એ વાત સહુએ સ્વીકારવાની છે કે કોઈને પણ આપણી કોઈ પણ વાતમાં અસહમત થવાનો પૂરો અધિકાર છે. કોઈની અસંમતિ એ આપણા તરફનો અનાદર નથી પરંતુ આપણે માનેલું સત્ય અને તેઓએ માનેલા સત્ય વચ્ચે ભેદરેખા છે. સંસારમાં સત્ય સાપેક્ષ છે એટલે એકની જે વાત તે બીજાને ગળે ન પણ ઉતરે. અને હવે તો આપણે એવા યુગમાં આવી પહોંચ્યા છીએ કે જેમાં એક તો વ્યક્તિગત સ્વતંત્રતાનો સકારાત્મક મહિમા છે અને બીજાઓના અભિપ્રાયનો સવિવેક અનાદર કરવાની પણ મુક્તિ છે. બીજાઓ એટલે કે પરિવાર અને સમાજ મારી વાતમાં સંમત હોવા જ જોઈએ એવો આગ્રહ રાખનારાઓ માટે વિષાદના પટના પટ ખુલ્લા છે. પછી તમારી ઈચ્છા.
મતભેદ અને મનભેદથી આ જગત બહુ આગળ નીકળી ગયું છે. તમને એવા લોકો હવે પરિવારમાં અને સમાજમાં પણ મળી શકે કે જેઓ તમારા એકેએક વાક્યને સુધારવાનો વ્યર્થ વ્યાયામ કરતા હોય. એવા કસરતબાજો કોઈ પણ હોય, એમની સામે મૌન જ અમોઘ આલંબન છે. જેઓ મૌનને આધીન હોય છે તેઓ ચિત્તને અધિક પ્રશાંત રાખી શકે છે. બાકી ચકડોળ તો ચારેભાજુ છે, એમાં તો પગ મૂકો કે તુરંત ચડતી-પડતીના ચક્કર ચાલુ થઈ જાય. સ્થિરતા આરાધ્ય છે. સ્થાયીભાવ જ આનંદરસના અનેક સ્રોતની આધારશીલા છે. પણ એ સ્થિરતા ઘટાટોપ વૃક્ષને સ્વચરણે જેવી મળી એવી તો કોઈને મળતી જાણી નથી. બોધિવૃક્ષ મૂલતઃ તો આસન સિદ્ધ કરવા અને સ્થાયી ભાવને પુરસ્કૃત કરનાર પરિબળ છે.
સૂક્ષ્મ રીતે જુઓ તો અન્યને આપણી વાતમાં સહમત કરવાની મથામણ કરવી એ એક પ્રકારની હિંસા છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે – પણ તેમને ભાન જ નથી કે તેમનું હિત શામાં છે. જો એમ હોય તો આપણે માત્ર આપણી વાત બ્લેક એન્ડ વ્હાઇટમાં મૂકવાની હોય. પછી તેમાંની કોઈ એક તરફ ઝૂકીને અન્યોને પણ એ તરફ ઝૂકાવવાનો પ્રયત્ન વ્યર્થ છે. જેઓ પોતે પોતાની વાતમાં સાચા છે એમણે જિંદગીમાં તો વકીલની જરૂર નથી કે નથી ખુદના એડવોકેટ થવાનું, સમય જ એમની વકીલાત કરીને તેમનું સત્ય પ્રગટાવે. એ માટેની ધૃતિ જેમનામાં ન હોય તેઓ સાચા હોય તોય એટલું બકબક કરતા જોવામાં આવે છે કે તેઓ જાણે કે હળાહળ ખોટા હોવાનો આભાસ ઊભો થાય છે. આ આભાસ જ સારા માણસોની પ્રતિષ્ઠા ખંખેરી લે છે. ઈતિહાસકારે ત્યાં એટલું જ લખવાનું આવશે કે તેઓ સાચા હતા પણ તેમના વાકોપદ્રવને કારણે તેઓ તેમનું સત્ય વેડફી નાંખતા હોવાને કારણે તેમનો તત્કાલીન વર્તમાન તેમના હાથમાંથી છટકી ગયો.
જિંદગીને હળવાશથી પસાર કરવી એ તો ધન્યતાનો અવસર છે પરંતુ સ્વયં દ્વારા જિંદગીને હળવાશથી લઈ શકાય નહિ. જેઓ જીવનની ગહેરાઈને થોડીક પણ જાણે છે તેઓ એને પૂર્ણ ગંભીરતાથી લે છે અને એટલે જીવન એમની સામે સર્વ રહસ્ય ખુલ્લા મૂકીને સ્થાયીભાવે ચિરંતન આનંદનો અનુભવ આપે છે. આનંદની ચિરંતનતા એટલે કે પ્રસન્નતાનું અવિક્ષેપ સાતત્ય. એ જ આપણા અહીં પૃથ્વી પર આવવાનું પણ સાધ્ય છે. આ થોડાક ઊંચા પગથિયા છે પણ એક એક પગલે પહોંચી શકાય છે. અને સહુ તો એમાં સાથે ન હોય એટલે જ કવિવર ટાગોરે કહી દીધું કે કોઈને તારી હાક સંભળાય કે ન સંભળાય, તારા સાદને કોઈ ગણે કે અવગણે, તું તેઓને સાથે લેવાનો આગ્રહ જતો કર ભાઈ, ને એકલો જ એકલો ચાલી નીકળ.
એવા એકલપંથીને આ જગત કદાચ અભાગી કહે એમ માનીને ટાગોરે જ એને ઓ રે… ઓ રે… ઓ અભાગી… – એવું સંબોધન કર્યું છે. પરંતુ ખરેખર તો અભાગી એ છે કે જેઓ પાછળ રહી ગયા છે. એકલા ચાલી નીકળનારાઓની પાછળ બહુ મોડે મોડેથી આ જગત ચાલી નીકળ્યું હોય એવું જોવા મળે છે ને ઈતિહાસ તો પાને પાને એની ગવાહી આપે છે. પરંતુ એ તાકાત તો અસામાન્ય હોય, જે તમને બીજાઓની પરવા વિના ઊંચે લઈ જાય. કવિનો ઈરાદો દ્વિધામાં મૂકાયેલા સજ્જનને શુભધક્કો મારવાનો છે ; એ સજ્જન કે જે સહુને સાથે લઈને જ આગળ જવામાં અટવાયેલો છે. એવી એ ક્ષણ છે જ્યાં તે અટકી ગયો છે, ન તો સાથીઓ આગળની સફર માટે તૈયાર છે અને ન તો તે પોતે પગ ઊંચકીને પગલું ભરી શકે છે. ત્યાં જ એ જ ક્ષણ પર કવિવર ટાગોર ઊભા છે અને એ સજ્જનને એકલા જ આગળ વધવા કહે છે. એકલો જા ને રે….! ખરેખર તો ટાગોરની આ રચનાનો અનુવાદ મહાદેવ દેસાઈએ કર્યો ત્યારે એમણે આ કૃતિને સ્વતંત્રતાના કલાત્મક ઉદ્‌ગાન તરીકે જ જોઈ હશે.
હૈયું ખોલીને મનના ગીતનું ગુંજન કરવાનું પણ કવિ એટલે કહે છે કે શક્ય છે કે વરસો કે સદીઓ પછી કોઈક તમારી વાતમાં સંમત થાય. પણ જો એ ગીત ગુંજતું કર્યું હશે તો ફરી કોઈને તમારી જ જેમ ચાલી નીકળવાનું મન થાય તો થાય. આમાં આખા યુગના ફેરા છે. તમે ચાહો છો જે પંથે જવાનું એ જ પંથે જનારા એક કહેતા એક પણ અન્ય સજ્જ્ન ન મળે એનો અર્થ એ તો નથી જ કે તમે ખોટા કે ખોટા રસ્તે છો. આ બહુ મોટી હૈયાધારણ છે. મનુષ્ય એકલો પડી જાય ત્યારે એને પોતાના પર પણ દહેશત જાગે. એ દહેશતનો ટાગોરે નાજુક કલમથી આબાદ શિરચ્છેદ કર્યો છે. કંઈ પણ થાય, પણ તને જો ખરેખર યોગ્ય દિશા મળી જાય તો તું એ જ તરફ જા. તારે જ્યાં જવું જ છે એ પરમ માર્ગ હોય તો તું તારા માર્ગથી વિમુખ ન થા. દુનિયાભરના કોઈ કોઈ અણજાણ એવા હજારો લોકોની સંગાથે કોઈ ન હોય તોય પોતાના વિરલ શબ્દબળે ટાગોર તો છે અને છે જ.