બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બુધવારની રાત્રે લગ્ન પ્રસંગમાં થયેલી બબાલે હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક વ્યક્તિની હત્યા થઈ હતી, જ્યારે ૧૦ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષે સામસામે ૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પરિસ્થિતિ વણસતા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારાયા હતા, જોકે હાલ શાંતિનો માહોલ છે. ફરિયાદ મુજબ, દેવગર શિવગિરી ગૌસ્વામીના દીકરાના લગ્નના ફુલેકામાં રઘુ ગોકુળભાઇ પદમાણીના પુત્ર સાગરનું ટ્રેક્ટર ઘોડીને થોડું અડી જતાં બબાલ શરૂ થઈ. હરદીપ વાળાએ સાગરને ગાળો આપી અને લાફા માર્યા હતા. જેથી સાગરે ઘરે વાત કરતા સાગરના સગા-સબંધીઓ હરદીપને ઠપકો આપવા જતા માણસુરભાઈ વાળાએ ટોળા પર ક્રેટા કાર ચડાવી દેતા મનસુખ ભીખાભાઇ રાદડિયા અને મહેન્દ્ર મુળજીભાઇ ગજેરા ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન મોટા દેવળિયા ગામના મહેન્દ્ર ભાણાભાઇ વાળાને પણ ક્રેટાએ ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જા કે સામા પક્ષે હરદીપ દેવકુભાઇ વાળાએ ફરિયાદ નોંધાવી કે સાગર પદવાણીએ જાણી જોઈને ટ્રેક્ટર ઘોડી સાથે અથડાવ્યું હતું. ઠપકો આપતા ૨૯ જેટલા લોકો સાથે ૫૦ લોકોનું ટોળું ધસી આવ્યું અને લોખંડની પાઇપ-ધારિયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં દેવકુભાઇ અને નાગરાજભાઇને હાથમાં ફેક્ચર થયું. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



































