કુંકાવાવ તાલુકાના તરઘરી ગામે વિકાસ રથનું ઉળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમવાર રાત્રે તરઘરી મુકામે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસ સપ્તાહ અંતર્ગત નાગરિકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ પરશોત્તમભાઈ હિરપરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ૩૬૮ વ્યક્તિઓએ ‘ભારત વિકાસ શપથ’ લીધા હતા. ગ્રામ વિકાસના સુવિધામાં ઉમેરો કરતા આશરે રૂ. ૨૨ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી પ્રદર્શન અને મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગનું પ્રદર્શન યોજાયું હતું. ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.







































