વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૭ લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું. આ વૃક્ષ યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ તરફથી ખાસ ભેટ તરીકે મોકલવામાં આવ્યું હતું. યુકેના રાજા ચાર્લ્સએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ભેટ તરીકે આ વૃક્ષ મોકલ્યું. આ વૃક્ષ મિત્રતા અને પર્યાવરણીય ટકાઉપણું પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ભારતની રાજધાની દિલ્હીમાં બ્રિટીશ હાઈ કમિશને લખ્યુંઃ “મહારાજાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર કદંબનું વૃક્ષ મોકલતા ખૂબ આનંદ થાય છે. વડા પ્રધાન મોદીની ‘માતાના નામે એક વૃક્ષ’ પહેલથી પ્રેરિત થઈને, આ પહેલ પર્યાવરણીય સંરક્ષણ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કિંગ ચાર્લ્સને એક વૃક્ષ ભેટમાં આપ્યું છે. હકીકતમાં, ગયા જુલાઈમાં પીએમ મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન, તેઓ ઇંગ્લેન્ડના નોર્ફોકમાં સેન્ડ્રીગહામ એસ્ટેટમાં કિંગ ચાર્લ્સને મળ્યા હતા અને તેમને એક વૃક્ષ ભેટમાં આપ્યું હતું.
પીએમ મોદીએ ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાનના ભાગ રૂપે કિંગ ચાર્લ્સને ડેવિડિયા ઇન્વોલુક્રાટા ‘સોનોમા’ પ્રજાતિનો છોડ ભેટમાં આપ્યો. આ વૃક્ષને સામાન્ય રીતે ‘સોનોમા ડવ ટ્રી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનોમા ડવ ટ્રી એક સુશોભન વૃક્ષ તરીકે ઓળખાય છે જે ટૂંકા ગાળામાં પુષ્કળ ખીલે છે. ડેવિડિયા ઇન્વોલુક્રાટા છોડને ખીલવામાં ૧૦ થી ૨૦ વર્ષ લાગે છે. જાકે, સોનોમા એક વહેલા પાકતી જાત છે. વાવેતરના ૨ થી ૩ વર્ષમાં ફૂલો ખીલવાનું શરૂ કરે છે.








































