સુપ્રીમ કોર્ટે સોમવારે મૌખિક રીતે કહ્યું કે, કેટલાક સાચા પત્રકારો છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે સ્કૂટર પર બેસીને પોતાને પત્રકાર કહે છે. પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર કોર્ટે ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડીડ્ઢ) પાસેથી જવાબ માંગ્યો. પત્રકારે કથિત નાણાકીય છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન માંગ્યા છે. આ મામલો ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવાના ઇનકારને પડકારતી લાંગાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કર્યું. સુનાવણી દરમિયાન, બેન્ચે મૌખિક રીતે પૂછ્યું કે તે કેવા પ્રકારના પત્રકાર છે. બેન્ચે સિબ્બલને પૂછ્યું, “તે કેવા પ્રકારના પત્રકાર છે?”બેન્ચે મૌખિક રીતે કહ્યું, “સંપૂર્ણ સન્માન સાથે, હું કહેવા માંગુ છું કે કેટલાક ખૂબ જ સાચા પત્રકારો છે. પરંતુ એવા લોકો પણ છે જે સ્કૂટર પર બેસીને કહે છે કે આપણે પત્રકાર છીએ અને તેઓ ખરેખર શું કરે છે, તે બધા જાણે છે…”. સિબ્બલે બેન્ચને જણાવ્યું હતું કે, આ બધા આરોપો તેમના ક્લાયન્ટ વિરુદ્ધ છે.સિબ્બલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટને એક એફઆઇઆરમાં આગોતરા જામીન મળ્યા હતા, પછી બીજી એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને ફરીથી આગોતરા જામીન મળ્યા હતા, પરંતુ હવે આવકવેરા ચોરીના આરોપસર તેમની સામે ત્રીજી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સિબ્બલે વધુમાં કહ્યું કે, આ મામલાની પૃષ્ઠભૂમિ પણ છે.દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે લાંગાની અરજી પર નોટિસ જારી કરવાનો નિર્ણય લીધો અને અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો. આ વર્ષે જુલાઈમાં, હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં લાંગાની જામીન અરજીને આ આધાર પર ફગાવી દીધી હતી કે જા તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તો ફરિયાદ પક્ષના કેસ પર પ્રતિકૂળ અસર થશે.ઈડીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, તેણે કથિત નાણાકીય છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં લાંગાની ધરપકડ કરી હતી. તેમની પહેલી વાર ઓક્ટોબર ૨૦૨૪માં જીએસટી છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પત્રકાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યો હતો. આ કેસ પોલીસે દાખલ કરેલી એફઆઇઆરમાંથી ઉદ્ભવે છે. આ કેસ છેતરપિંડી, ગુનાહિત ઉચાપત, ગુનાહિત વિશ્વાસ ભંગ, છેતરપિંડી અને અમુક વ્યક્તિઓને લાખો રૂપિયાનું ખોટી રીતે નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ નોંધવામાં આવ્યો હતો.