અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબરમાં તેમના મુખ્ય સલાહકારો સાથે દક્ષિણ કોરિયાની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાતનો હેતુ એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સમિટમાં ભાગ લેવાનો છે, જે ઓક્ટોબરના અંતથી નવેમ્બરની શરૂઆતમાં યોજાશે.
ટ્રમ્પ વહીવટીતંત્રના ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ એપીઇસી વેપાર મંત્રીઓની બેઠકની તૈયારી કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી શકે છે. જાકે, આ અંગે અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.
ગયા મહિને એક ટેલિફોન કોલમાં શી જિનપિંગે ટ્રમ્પ અને તેમની પત્નીને ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. ટ્રમ્પે પણ આમંત્રણ સ્વીકાર્યું અને ચીનની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ તારીખ નક્કી કરવામાં આવી નથી.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે આ મુલાકાત યુએસ અર્થતંત્રમાં વધુ રોકાણ લાવવાની તક બની શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાની મુલાકાત પર ચર્ચા થઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક સહયોગ પર કેન્દ્રિત રહેશે. વેપાર, સંરક્ષણ અને નાગરિક પરમાણુ સહયોગ પર પણ ચર્ચા કરવાની યોજના છે.
આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉનને પણ મળે તેવી શક્્યતા છે. પરંતુ કિમ સમિટમાં હાજરી આપશે કે નહીં તે સ્પષ્ટ નથી. અધિકારીઓના મતે શી જિનપિંગ સાથે સંભવિત મુલાકાતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગની ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન, તેમણે તેમને સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું.
ટ્રમ્પ શી અને કિમ સાથેના તેમના સંબંધોને લઈને જટિલ પરિસ્થિતિમાં છે. તાજેતરમાં તિયાનજિનમાં પૂર્ણ થયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન, શી જિનપિંગે કિમ જાંગ ઉન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ નરેન્દ્ર મોદીનું આયોજન કર્યું હતું. વોશિંગ્ટનમાં આ વાતને લઈને નારાજગી જાવા મળી હતી.
ટ્રમ્પની દક્ષિણ કોરિયાની મુલાકાત ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. એક તરફ શુક્રવારે, ટ્રમ્પે શી, પુતિન અને મોદીનો ફોટો શેર કર્યો અને લખ્યું, “એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ચીનને સોંપી દીધા છે.” ભગવાન તેમના ભવિષ્યને સમૃદ્ધિથી ભરપૂર રાખે!” હવે, બીજી બાજુ, તેઓ શી જિનપિંગને મળવાનું આયોજન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ મુલાકાત માત્ર સંયોગ ન હોઈ શકે પરંતુ ભારતને છેતરવાના કાવતરાનો ભાગ હોઈ શકે છે.
જાકે, ટ્રમ્પે ભારત પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું. તેમણે ભારત-અમેરિકા સંબંધોને “ખૂબ જ ખાસ સંબંધ” ગણાવ્યા અને કહ્યું કે તેઓ અને વડાપ્રધાન મોદી હંમેશા મિત્ર રહેશે. આ અંગે, શનિવારે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પની ટિપ્પણીનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેઓ “ટ્રમ્પની લાગણીઓની ખૂબ પ્રશંસા કરે છે અને તેમને સંપૂર્ણ સમર્થન આપે છે”.