જેતપુર- ધોરાજી નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત નોંધાયો છે. મોડીરાત્રે તેજ ગતિએ દોડી રહેલી એક કારનું અચાનક ટાયર ફાટી જતાં વાહન પરથી ડ્રાઈવરનો કાબૂ છૂટી ગયો હતો અને કાર નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત માં કારમાં સવાર નવદંપતીમાંથી પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પતિને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતીના 13 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન થયા હતા અને લગ્નના માત્ર 11 મહિના પૂર્ણ થયા ત્યાં જ આ દુર્ઘટનાએ બંનેને અલગ કરી નાખ્યા છે. મળતી માહિતી મુજબ ધોરાજીના રહેવાસી 25 વર્ષીય શુભમ મહેશભાઈ કાપડિયા પોતાની 23 વર્ષીય પત્ની મિતાલી સાથે હોન્ડા સિટી કારમાં જેતપુરથી ધોરાજી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક્વાટિક વોટર પાર્ક નજીક અચાનક કારનું ટાયર ફાટી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાયો હતો અને કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. અકસ્માત ની તીવ્રતા એટલી ભારે હતી કે હોન્ડા સિટી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેનું એક ટાયર છૂટું પડીને ઘણાં દૂર સુધી ઉડી ગયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં કાર ઝાડ સાથે જોરદાર રીતે અથડાતી સ્પષ્ટ નજરે પડે છે. અકસ્માતનો ભયાનક અવાજ સંભળાતાં જ આસપાસના લોકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા દંપતીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં 23 વર્ષીય મિતાલીનું ઘટચના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ગંભીર ઈજાઓ સાથે પતિ શુભમ કાપડિયાને ઉચ્ચ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવવા મળ્યું છે.









































