રાજસ્થાનના કોટા પંથકની વતની એવી ૨૧ વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનો ગત ૨૫ ડિસેમ્બરે સુરતના અમન સાથે સંપર્ક થયો હતો. ૧ જાન્યુઆરીએ યુવતીનો બર્થ-ડે હોવાથી તેને લલચાવી ફોસલાવી બોલાવી હતી. સુરત પહોંચતા જ અમન અને મહંમદ તોહીદુલ યુવતીને મૂનલાઈટ સહિત જુદી જુદી હોટલમાં ગોંધી રાખી હતી. તેમજ બર્થડે મનાવવાના બદલે બંનેએ યુવતીને માર મારીને સોનાના દાગીના લૂંટી લીધા હતા. ઉપરાંત નશીલા ઈન્જેક્શન આપીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. દેહવેપાર જેવા કામમાં ઉપયોગ કરતા હતા.
સતત ૨૦ દિવસ સુધી નરક જેવી યાતના વેઠ્યા બાદ મોકો જાઈને બંનેના સકંજામાંથી છૂટીને રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ આર.જે.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. બર્થડે સેલિબ્રેશનના નામે દુષ્કર્મ ગુનામાં સંડોવાયેલા અને હોટલમાં વેઇટર તરીકે કામ કરતા અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (ઉ.વ. ૨૧) અને દરજી કામ કરતાં મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર મહંમદ અઝીઝ હક્ની ધરપકડ કરી છે. તેમજ કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમન વર્મા અને મહંમદ તોહીદુલ બંને સાથે રહે છે. રાજસ્થાની યુવતીને તોહીદુલે પોતે હિન્દુ હોવાનું કહીને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાની ઓળખ આપી હતી.








































