ઝાલાવાડ પંથકમાં વધતી જતી ગુનાખોરી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરની સબ જેલમાં હાલ કેદીઓની સંખ્યા તેની નિર્ધારિત ક્ષમતા કરતાં અઢી ગણાથી વધુ થઈ ગઈ છે, જેના કારણે જેલ પ્રશાસન માટે વ્યવસ્થા જાળવવી પડકારરૂપ બની છે.
સુરેન્દ્રનગર સબ જેલની માન્ય ક્ષમતા માત્ર ૧૨૫ કેદીઓની છે. જાકે, તાજેતરના આંકડા મુજબ હાલ આ જેલમાં ૩૦૦ જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. આ સ્થિતિ સૂચવે છે કે જેલ તેની મર્યાદા કરતા અઢી ગણી ભરાયેલી છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓને રાખવાને કારણે જેલની અંદરની માળખાગત સુવિધાઓ પર ભારે દબાણ આવી રહ્યું છે.
જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની સક્રિયતા વધી છે, પરિણામે વધુ આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ સિવાય ધ્રાંગધ્રા જેલનું સમારકામ પણ ચાલુ છે. જેલમાં ભીડ વધવાનું એક મુખ્ય કારણ ધ્રાંગધ્રા સબ જેલનું ચાલી રહેલું રિનોવેશન છે. ત્યાં સમારકામ ચાલતું હોવાથી ત્યાંના કેદીઓને સુરેન્દ્રનગર સહિત જિલ્લાની અન્ય જેલોમાં ખસેડવામાં આવ્યા છે.
વ્યવસ્થામાં વિક્ષેપઃ કેદીઓને સૂવા, જમવા અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
માનસિક તણાવઃ ગીચતાને કારણે કેદીઓમાં અજંપો અને માનસિક તણાવ વધે છે, જે અંતે નાના-મોટા ઝઘડા અને ઘર્ષણમાં પરિણમે છે. જેલની અંદર કેદીઓ વચ્ચે અવારનવાર થતા સંઘર્ષના બનાવો પાછળ આ ગીચતા જ મુખ્ય કારણ માનવામાં આવે છે.
તબીબી જાખમઃ આટલી મોટી સંખ્યામાં કેદીઓને એકસાથે રાખવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ચેપી રોગો ફેલાવાનો ડર પણ સતત રહે છે.
સુરેન્દ્રનગર સબ જેલની આ સ્થિતિ જેલ વહીવટીતંત્ર અને સરકાર માટે લાલબત્તી સમાન છે. જા વહેલી તકે કેદીઓને અન્ય જેલમાં સ્થાનાંતરિત કરવામાં નહીં આવે અથવા જેલની ક્ષમતા વધારવા માટે આયોજન કરવામાં નહીં આવે, તો જેલની સુરક્ષા અને વ્યવસ્થા વધુ કથળી શકે છે. ધ્રાંગધ્રા જેલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે પણ હાલના તબક્કે અનિવાર્ય છે.