ગુજરાતમાં ૧૯ માર્ચની સાંજ કાળ બનીને ત્રાટકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪૦ કિમીથી વધુની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન અને કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં સુરતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં મનપાના બેદરકારીભર્યા બોર્ડે એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું એક ભારે ભરખમ બોર્ડ અચાનક તૂટી પડ્યું હતું. આ બોર્ડ નીચે દબાતા નીતિન વાજા નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ જાહેર સ્થળો પર લગાવાયેલા હો‹ડગ્સ અને બોર્ડની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.જામનગરમાં તોફાની પવનનો કહેર એટલો ભયાનક હતો કે સિક્કા તરફ જતી એસાર કંપનીની હેવી વીજ લાઈનના ૨૨૦ કેવીના બે મોટા ટાવરો એક પછી એક ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત, કનસુમરા વિસ્તારમાં પણ ૧૩૨ કેવીનો ટાવર પડી જતાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ૧૦ ટીમોએ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને રસ્તા પર પડેલા ૫૫થી વધુ વૃક્ષો હટાવ્યા છે.
બાવળા-સરખેજ હાઈવે પર સરી ગામે આશ્ચર્યજનક ઘટના બની. મેલડી માતાજીના મંદિરનો મંડપ હવામાં ઉડીને સીધો ૧૧ કેવીની લાઈન પર જઈને ચોંટ્યો હતો. જાકે, વીજ કંપનીની આધુનિક ‘ઇન્સ્યુલેટેડ’ લાઈનને કારણે શોર્ટ સર્કિટ ન થતા મોટી હોનારત ટળી હતી. ભક્તો તેને માતાજીનો ચમત્કાર માની રહ્યા છે. અમદાવાદ શહેરમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા ૨૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. આ ઉપરાંત, અમરેલીના ધારી અને બાબરા પંથકમાં વરસાદ ખાબક્યો હતો, જેની સાથે વલારડી ગામે ચાલી રહેલી શિવકથાનો વિશાળ મંડપ પણ ધરાશાયી થયો હતો. બીજી તરફ, રાજ્યમાં સૌથી વધુ ૧.૩૮ ઇંચ વરસાદ એકલા રાજકોટ શહેરમાં નોંધાયો છે. હવામાન વિભાગે આગામી કલાકો માટે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.