રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સતત રજૂઆતોને સફળતા મળી છે. હવે શહેરને દરરોજ ૮૦ લાખ લિટર પાણી શેલ દેદુમલ ડેમમાંથી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી શહેરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. સાવરકુંડલાના નાગરિકો અત્યાર સુધી ૧૦૦૦ ફૂટ ઊંડા બોરના ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર હતા, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. મહેશભાઈ કસવાળાએ પાયાની જરૂરિયાતને સમજીને ડેમનું શુધ્ધ પાણી અપાવવા માટે સરકારમાં મજબૂત રજૂઆત કરી હતી, જેના પરિણામે હવે નાગરિકોને ગુણવત્તાયુક્ત પાણી ઉપલબ્ધ થશે. ગામડાઓની સાથે શહેર નો પણ જળ સુરક્ષાનો માસ્ટરપ્લાન તૈયાર કરી ઉનાળામાં પાણીની અછત હવે ભૂતકાળ બનશે. દર વર્ષે ઉનાળો આવતા જ સાવરકુંડલામાં પાણીની જે વિકટ સ્થિતિ સર્જાતી હતી, તેનું હવે કાયમી નિરાકરણ આવી ગયું છે. વાર્ષિક ૨૯૨ કરોડ લિટર પાણીના જથ્થાના અનામત રાખવાના નિર્ણયથી ઉનાળાના આકરા દિવસોમાં પણ શહેરના જળાશયો છલકાયેલા રહેશે અને ગૃહિણીઓને પાણી માટે ભટકવું નહીં પડે. આ ઐતિહાસિક નિર્ણય બદલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ મુખ્યમંત્રી અને જળસંપત્તિ મંત્રીનો આભાર માન્યો છે.