સાવરકુંડલાથી રંગોળાને જોડતા સ્ટેટ હાઇવે નં. ૫૬ નું કામ અત્યંત નબળી ગુણવત્તાનું થયું હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરીને કર્યો છે. આ રોડ ૮ વર્ષ પહેલાં રૂ.૫૬ કરોડના ખર્ચે મંજૂર થયો હતો અને તેની પહોળાઈ ૧૦ મીટર નક્કી કરવામાં આવી હતી. જોકે, પ્રથમ એજન્સીને બ્લેક લિસ્ટ કર્યા બાદ નવી એજન્સી દ્વારા હાલમાં આ રોડ માત્ર ૬ મીટરની પહોળાઈનો બનાવવામાં આવ્યો છે. કામ પૂર્ણ થયાને ત્રણ મહિના થયા હોવા છતાં, રોડમાંથી કપચી નીકળવા લાગી છે, રોડ ફૂલી ગયો છે અને બે દિવસ પહેલાં જ તૂટી ગયો છે. વીડિયોમાં નાગરિકે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, રોડના નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ જણાય છે અને તેમાં અધિકારીઓ તથા એજન્સીની મીલીભગત હોય તેવી આશંકા છે. નબળું કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેમ જાગૃત નાગરિક દ્વારા માંગણી કરવામાં આવી છે.