મોટા ઝીંજુડા ગામનો યુવક સગીરાને છેલ્લાં ઘણા સમયથી પરેશાન કરતો હતો
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાને પજવણી કરી વાત કરવા માટે દબાણ કરી તેમના ફોટા વાયરલ કરવાની વારંવાર ધમકી આપવામાં આવતી હોવાથી સગીરાએ આ યુવકથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સાવરકુંડલાના મોટા ઝીંજુડા ગામે રહેતા એક શખ્સના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી સગીરાએ આપઘાતનો પ્રયાસ કરતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની વિગત મુજબ, મોટા ઝીંજુડાનો રાહુલ પરષોતમભાઇ કાલેણા નામનો શખ્સ પીઠવડી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સગીરાનો છેલ્લા છ મહિનાથી પીછો કરતો હતો. સગીરાએ વાત કરવાની ના પાડતા આરોપીએ તેની છેડતી કરી, શરીરે અડપલાં કર્યા હતા. આટલું જ નહીં, આરોપીએ સગીરાના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપતા સગીરા માનસિક દબાણમાં આવી ગઈ હતી. આ સતત મળતા ત્રાસને કારણે ભોગ બનનાર સગીરાએ ગત તા. ૨૧ ના રોજ પોતાના ડાબા હાથની કલાઈ પર બ્લેડ મારી ઈજા પહોંચાડી હતી. આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા સાવરકુંડલા રૂરલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






































