સાવરકુંડલા શહેરમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન મોબાઈલ ચોરીની એક ઘટના સામે આવી છે. મિત્રના ઘરે પતંગ ચગાવવા ગયેલા પરિવારની યુવતીનો કિંમતી મોબાઈલ ફોન અજાણ્યો શખ્સ ચોરી કરી પલાયન થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ભરતભાઇ કાન્તીલાલ ભુપતાણી (ઉ.વ.૫૦) એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત તારીખ ૧૪/૦૧/૨૦૨૬ ના રોજ ઉત્તરાયણ નિમિત્તે ફરિયાદી, તેમનો પરિવાર અને બહેન નીતાબેન સાવરકુંડલામાં રહેતા તેમના મિત્ર નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ સૂચકના ઘરે પતંગ ચગાવવા માટે ગયા હતા. સાંજના આશરે છ વાગ્યાની આસપાસ જ્યારે સૌ પતંગબાજીમાં મશગૂલ હતા, ત્યારે આ તકનો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્સે મોબાઈલ પર હાથ સાફ કર્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમની બહેનનો આ ફોન તેમની પાસે હતો, જે ક્યાંક પડી જતાં અથવા કોઈ અજાણ્યા તસ્કરે નજર ચૂકવીને ચોરી લીધો હતો. આ અંગે સાવરકુંડલા પોલીસમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા IMEI નંબરના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.