એક રીઢા ઠગબાજે પોતાની ખોટી ઓળખ આપીને નિર્દોષ નાગરિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે સરંભડા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા પ્રવિણભાઇ નાનજીભાઇ દાફડા (ઉ.વ.૪૨) એ સાવરકુંડલામાં રહેતા ગુણવંતભાઇ ઉર્ફે ગૌતમભાઇ ગોવિંદભાઇ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમની સામે પોતાની ઓળખ પવનચક્કી વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે આપી હતી. તેણે તેમનો એવો પણ વિશ્વાસ અપાવ્યો હતો કે તેને અનેક સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંપર્કો છે. આ ઉપરાંત તેમની પર દીવ પોલીસ મથકે નોંધાયેલ કેસમાં પતાવટ કરી દેવાની ખાતરી આપી આરોપીએ તેમનો વિશ્વાસ જીત્યો હતો. ઠગબાજે ફરિયાદીના સંતાનોને વન વિભાગ અને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસ બેસાડવા માટે તેણે નોકરીના નકલી ઓર્ડરો પણ બતાવ્યા હતા. આ તમામ કામો કરાવી આપવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. ૧૨,૩૦,૦૦૦ મેળવી લીધા હતા. છેવટે, કોઈ કામ ન થતા અને નોકરીના ઓર્ડરો ખોટા હોવાનું માલૂમ પડતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી.ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.








































