સમય તો માત્ર ઘડિયાળની સોય છે,પરંતુ સંબંધોનું ચાલવું દિલની દિશા પર નિર્ભર છે.આજના જડપી યુગમાં આપણે વર્ષો જુના સંબંધોને “લાંબા સમયથી ચાલ્યા” એવું કહી ગર્વ કરીએ છીએ, પરંતુ એક પ્રશ્ન બહુ ઓછા લોકો પૂછે છે કે શું અ સંબંધ જીવંત છે કે માત્ર ચિલાચાલુ છે? સંબંધનું આયુષ્ય સમયથી માપવું એ એવી ભૂલ છે, જેમ કે પુસ્તકની જાડાઈ જોઈને જ્ઞાનનો અંદાજ લગાવવો. સંબંધ કેટલા વર્ષ ચાલ્યો એના કરતાં વધુ મહત્વનું એ છે કે એ સંબંધમાં કેટલી સમજણ, કેટલો સ્વીકાર અને કેટલી સહનશીલતા છે. સમય નહિ, સમજણ ટકાવે છે સંબંધ.જીવનમાં સૌથી વધુ ગેરસમજ એક જ બાબતે થાય છે,અમે માનીએ છીએ કે સંબંધો સમયથી ટકે છે. હકીકતમાં સંબંધો સમજણથી જીવંત રહે છે. સમય તો માત્ર સાથે રહેવાની તક આપે છે, પણ સમજણ તો સાથે રહેવાની કળા શીખવે છે. ઘણાં સંબંધો વર્ષોના સહવાસ પછી પણ ખોખલા બની ગયેલા સબંધ સાથે રહેવામાં દિવસો પસાર થાય છે, પણ લાગણીઓ એકબીજાને સ્પર્શતી નથી. કારણ કે ત્યાં સમયની સાથે સમજણ નહોતી. બીજી તરફ, કોઈક સંબંધ થોડા સમયના પરિચયમાં જ આત્મીય બની જાય છે, કારણ કે ત્યાં શબ્દો કરતા ભાવને વધુ મહત્વ મળ્યું હોય છે.સમજણ એટલે બધું સહન કરી લેવું એવું નથી.સમજણ એટલે પોતાની વાત કહેતાં પહેલાં સામે વાળાની લાગણી સાંભળવાની તૈયારી. આજના સમયમાં સંબંધો તૂટે છે એવું કહેવાય છે, પરંતુ સાચું કહીએ તો સંબંધો તૂટતા નથી,સમજણ ખૂટી જાય છે. આપણે સાંભળીએ છીએ, પણ સમજવા માટે નહિ; જવાબ આપવા માટે. પરિણામે સંવાદ રહે છે, સંવેદના ગુમ થઈ જાય છે.ગેરસમજણ વખતે સમય પસાર થતા ગુસ્સો ઓછરી શકે છે, પણ સમજણ વિના માફી શક્ય નથી.પતિ-પત્ની વચ્ચે, મિત્રોમાં, પરિવારના સંબંધોમાં,દરેક જગ્યાએ સમય તો સમાન રીતે વહે છે. તફાવત ફક્ત એટલો જ છે કે કોણ એકબીજાન મૌનને વાંચી શકે છે. જ્યાં મૌન પણ સમજાય છે, ત્યાં સંબંધો બોલ્યા વગર પણ ખીલી જતાં હોય છે. સમજણ વગરનો લાંબો સમય સંબંધને આદતમાં ફેરવી દે છે. અને સમજણ સાથેનો થોડોક સમય સંબંધને અર્થ આપે છે.મનન કરીએ તો સમજાય છે કે સમય તો વહેતો રહેવાનો છે.પ્રશ્ન એ છે કે આપણે સાથે વહેતા રહીશું કે સમજણ વિના એકબીજાથી અલગ પડતા જઈશું? કારણ કે અંતે સંબંધનું આયુષ્ય ઘડિયાળ પર નહિ, હૃદયની સમજણ પર નક્કી થાય છે. સમજણ એટલે શું? એકબીજાને બદલવાનો પ્રયત્ન નહિ, પરંતુ બદલાતા સ્વભાવને સ્વીકારી લેવાની ક્ષમતા.સમજણ એટલે અમુક વખતે મૌન રાખવું, અમુક વખતે શબ્દોનો સહારો આપવો,અને સૌથી મહત્વનું એકબીજાની ભૂલમાં પણ સંબંધ બચાવી લેવાનો પ્રયાસ.ઘણા સંબંધો તૂટે છે કારણ કે સમય ઓછો પડતો નથી, પરંતુ સમજણ ટૂંકી પડી જાય છે. પતિ-પત્ની, મિત્રતા, કુટુંબ, સમાજ કે સંસ્થાનાદરેક સંબંધમાં મતભેદ આવવાના જ,પરંતુ મતભેદને “વિરોધ” બનાવી દેવો અને ચર્ચાને “અહંકાર” સુધી લઈ જવી એ સંબંધનું આયુષ્ય ટૂંકું કરી નાખે છે. મતભેદ વખતે ક્યારે અને કેટલું મૌન જાળવવું,ક્યારે,કેટલું અને કેવું બોલવું એ પ્રકારની સમજણ સબંધો ટકાવી રાખવા કે બગડેલા સબંધો ફરીથી સુધારવા માટે ખૂબ જ જરૂરી છે.સમજણ ધરાવતો માણસ જાણે છે કે દરેક પ્રશ્નનો જવાબ તરત આપવો જરૂરી નથી, દરેક વાતનો નિર્ણય આજે જ કરવો જરૂરી નથી, અને દરેક દુઃખને ઝઘડામાં ફેરવવું પણ જરૂરી નથી. સમય તો બધાને મળે છે,પરંતુ સમયની સાથે સંબંધો બધાને મળતા નથી. અને મળ્યા પછી તેને સાચવવાની કળા સમયની સાથે સમજણ શીખવે છે. અંતે એટલું જ કહી શકાય કે જે સંબંધમાં સમજણ છે, એ થોડા સમયમાં પણ અમર બની જાય છે, અને જ્યાં સમજણ નથી, એ સંબંધ વર્ષોના સંગાથ પછી પણ ખોખલા જ રહે છે. સંબંધોને માત્ર સમય નહિ, પણ સમયની સાથે સમજણ આપો તો સબંધોનું આયુષ્ય આપણા આયુષ્ય સુધી ટકી રહે છે.
સમય તો પસાર થઈ જાય છે,
સમજણ હોય તો સંબંધ જીવંત રહે છે.
વર્ષો સાથે સંબંધ મોટો નથી બનતો,
વિચાર સાથે સંબંધ ઊંડો બને છે.
સમજણ વગરનો સમય ભાર બને,
સમજણ સાથેનો સમય આધાર બને.