છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના ઘરે ત્રીજું બાળક જન્મ લેતા સરપંચ વિરુદ્ધ ગ્રામજને અરજી કરી હતી. સમગ્ર મામલાની તપાસ તાલુકા વિકાસ અધિકારીએ કરીને ઇન્ચાર્જ સરપંચને સસ્પેન્ડ કર્યા. આ કારણે સંખેડા તાલુકાની કાવિઠા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અને ઉપસરપંચ વિનાની બની ગઈ છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની કાવિઠા જૂથ ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ વર્ષથી વિવાદમાં ચાલી રહી છે, કાવિઠા જૂથ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ તરીકે સતિષભાઈ મહેન્દ્રભાઈ વસાવા જયારે તેઓ સભ્ય પદની ચૂંટણી લડ્યા હતા તે વખતે બે બાળકો હતા અને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ ડેપ્યુટી સરપંચ બન્યા હતા.

તારીખ ૧૦/૮/૨૦૨૫ ના રોજ તેઓના ઘરે ત્રીજા બાળકનો જન્મ થયો હતો. જેની અરજી મહેશભાઈ જેસીંગભાઇ રબારીએ સંખેડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં કરતા તાલુકા વિકાસ અધિકારીએ કાવિઠા ગ્રામ પંચાયતના તલાટી પાસે સમગ્ર મામલાની તપાસ માટે આદેશ કર્યો હતો. તલાટીએ સમગ્ર મામલાની તપાસ કરીને બહાદરપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરપંચના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતા સંખેડા તાલુકા વિકાસ અધિકારીએ ઇન્ચાર્જ સરપંચ સતિષભાઈ મહેન્દ્રભાઈ વસાવાને સસ્પેન્ડ કર્યા છે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૦(એમ) મુજબ બે બાળકોથી વધારે બાળકો હોય તે સભ્ય પદ ઉપર રહી શકે નહી અને તેઓને ગેરલાયક ઠેરવવા માટેનો નિયમ છે.

જ્યારે આ જ ગ્રામ પંચાયતમાં અગાઉના સરપંચ તેઓના ઘરના બીલો બનાવીને ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં મૂકી દઈને સરકારી ચોપડે ખર્ચો પાડતા તેઓને અગાઉ સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ આપવામાં આવ્યો હતો. તેઓને પણ સસ્પેન્ડ કરાતા કાવિઠા જૂથ ગ્રામ પંચાયતમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારથી જ આ ગ્રામ પંચાયતમાં વિવાદના બીજ રોપાયા હતા. હાલ આ ગ્રામ પંચાયતમાં બે સરપંચો ઘરભેગા થયા છે.

સંખેડાના ટીડીઓ જીગર પ્રજાપતિએ જણાવ્યું કે, કાવેથા ગામના જે ઉપરપંચ હતા તે સરપંચના ચાર્જમાં હતા. તેમને ત્રીજું બાળક ૧૦ ઓગસ્ટના રોજ આવ્યું હતું. તેના આધારે અમને ગ્રામજનો તરફથી અરજી મળી હતી. તેના આધારે અમે ત્રણેય બાળકના જન્મના દાખલ મેળવીને નિયમ અનુસાર તમને પદ પરથી ગેરલાયક ઠેરવવાની કામગીરી કરી છે.

કાવીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ સસ્પેન્ડ થયા બાદ ઉપ સરપંચ કારોબાર સંભળતા હતા, અને હવે ઉપ સરપંચ પણ સસ્પેન્ડ થતાં, ગામ સરપંચ વિનાનું બનતા ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. બે મોટરો બળી જતાં પીવાના પાણી માટે ગામ લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો કુવામાંથી પાણી લાવવા પર મજબુર બન્યા છે.