અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઇ દુધાતે કૃષિ પેકેજ ૨૦૨૪માં લીલીયા તાલુકાના બાકી રહેલ ગામોનો સમાવેશ કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરીયાને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, લીલીયા તાલુકામાં વર્ષ-૨૦૨૪ દરમ્યાન વધારે પ્રમાણમાં વરસાદ થયેલ હોવાથી તાલુકાના તમામ ગામના ખેતી-પાકને નુકસાન થયેલ હતું. પરંતુ હાલમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી રાહત પેકેજ જાહેર કરેલ છે, જેમાં લીલીયા તાલુકાના ૩૭ ગામમાંથી ૨૦ ગામોનો સમાવેશ થયેલ છે. આથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી બાકી રહેલા ૧૭ ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવાની માગણી છે.






































