પ્રેમ, દગો અને હત્યાનો એક ભયાનક રુંવાડા ઊભા કરતો કિસ્સો હાલ મહેસાણા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવકને તેની પ્રેમિકા પાસે જ વીડિયો કાલ કરાવીને મળવા બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હાલ સુધીમાં ૨ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ૧ ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, આ કેસમાં મૃતક સની રાવળ નામનો યુવક મહેસાણા-કડીના આદુંદરા ગામનો રહેવાસી છે, જે તેના કાકા (પ્રકાશ રાવળ)ની સાળી પ્રિયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતા. જાકે આ પ્રિયાના લગ્ન સાંકળ ગામના રમેશ રાવળ નામના યુવક સાથે થયા હતા, છતાં પ્રિયા અને સની બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. આ વાતની જાણ પ્રિયાના પતિ રમેશને થતા તેણે પત્નીના આશિક સનીને રસ્તામાંથી હટાવવાનું ખતરનાક પ્લાનિંગ કર્યું હતું.
પ્લાનિંગ મુજબ, રમેશે પોતાની પત્ની પ્રિયા(મૃતક સનીની પ્રેમિકા)નો જ આ માટે હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. આ માટે રમેશે તેની પ્રિયા(સનીની પ્રેમિકા) પાસેથી સનીને વીડિયો કાલ કરાવી તેને થોળ ખાતે મળવા બોલાવ્યો હતો. સની જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ રમેશે તેના ભાઈ જયંતી રાવળ અને ભત્રીજા સુનીલ રાવળ સાથે મળી સનીનું પીકઅપ ગાડીમાં અપહરણ કરી લીધું હતું. બાદમાં આ લોકો સનીને એક ખેતરમાં અવાવરું જગ્યાએ લઈ જઈ ધોકા વડે બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પાપ છુપાવવા માટે લાશને લખતરની કેનાલમાં ફેંકી દીધી હતી.
આ તરફ ઘણો સમય વિતવા છતાં સની ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી અને બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી. ત્યારે કડી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને ટેકનિકલ સર્વેલન્સ તપાસ કરી, તો સનીનો મૃતદેહ સુરેન્દ્રનગરના લખતરના જ્યોતિપુરા પાસે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે કડીઓ જાડતા પોલીસને સફળતા પણ મળી છે અને હાલ આ આખો ભેદ ઉકેલાઈ ગયો છે.
પોલીસે હાલ સુધીમાં આ સનીની હત્યા કેસમાં તેની પ્રેમિકા પ્રિયાના પતિ રમેશ રાવળ સહિત જયંતી રાવળ અને સુનીલ રાવળ એમ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જાકે, પોલીસ ડાયરીમાં હજુ એક નામ ખૂટે છે અને તે છે સુનીલ રાવળ. પોલીસને શંકા છે કે સુનીલ રાવળ પણ આ હત્યામાં સક્રિય રીતે સામેલ હતો અને તે હાલ પોલીસને હાથતાળી આપીને ફરાર છે. ત્યારે પોલીસની અલગ-અલગ ટીમો તેને પકડવા તપાસ હાથ ધરી હતી.
આમ, કાકાની પરિણીત સાળી પ્રિયાને અંધળો પ્રેમ કરતા મહેસાણા-કડી આદુંદરાના સની રાવળને હાલ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પતિ રમેશે પોતાની પત્ની પ્રિયાનો ઉપયોગ કરી તેના આશિકને રસ્તામાંથી હટાવી દીધો છે. ત્યારે પ્રેમપ્રકરણમાં સનીને મોતના મોંમાં ધકેલી દેનાર આ શખ્સો સામે હાલ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બે આરોપીઓ તો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે, પરંતુ ફરાર સુનીલ રાવળ ક્યારે પકડાય છે તે જાવું રહ્યું.









































