કેન્દ્ર સરકાર દ્વારા વીજળીને ખાનગી એકમોને હસ્તકરણ, ઈલેકટ્રીસીટી (એમેન્ડમેન્ટ) બીલ ૨૦૨૫ અને પ્રસ્તાવિત નેશનલ ઇલેક્ટ્રીસીટી પોલીસી ૨૦૨૬ ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ સંસદમાં રજુ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને AIPEFના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત હડતાળ ભારતના જાહેર વીજ ક્ષેત્રને તોડી પાડવાની ધમકી આપતી નીતિઓ સામે લાખો વીજ કર્મચારીઓ અને ઇજનેરોની નારાજગી અને ચિંતા વ્યક્ત કરે છે. AIPEFએ ચેતવણી પણ આપી છે કે, જો બજેટ સત્ર દરમિયાન આ બિલ રજૂ કરાશે તો દેશભરના વીજ કર્મચારીઓ સાથે મળીને પાવર એન્જિનિયરો તાત્કાલિક વીજળી વિરોધી કાર્યવાહી શરૂ કરશે, જેમાં કામ બંધ કરવું અને સામૂહિક રસ્તા પર આંદોલનનો સમાવેશ થાય છે. આ બાબતની માંગણી સાથેની નોટીસ કેન્દ્રીય ઊર્જામંત્રીને છેલ્લા ૧૦ દિવસથી પાઠવેલી હોવા છતાં ફેડરેશન સાથે કોઈ ચર્ચા વિચારણા કરવામાં પહેલ કરેલ નથી. આથી AIPEF દ્વારા ૧૨-૦૨-૨૦૨૬ના રોજ દેશભરના વીજ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. ગુજરાતમાંથી GEBEA અને AGVKS (ગુજરાત ઊર્જા સયુંકત સંકલન સમિતિ) દ્વારા આ હડતાલને ટેકો જાહેર કરેલ છે. ગુજરાતમાંથી બંને યુનિયનોની સંકલન સમિતિના ૪૫૦૦૦ મેમ્બરો વિરોધ પ્રદર્શિત કરવા માટે ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ બપોરે ઓફીસ રીશેષ ૨ઃ૦૦ થી ૨ઃ૩૦ ના સમયે ગુજરાતભરની તમામ વીજ કંપનીઓની મુખ્ય ઓફિસો પર એકઠા થઈને સરકારની ખાનગીકરણની નીતિનો સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શિત કરશે. આ હડતાલને કારણે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વીજ ક્ષેત્રે કોઈ અસર પડવા દેશે નહિ તેની ખાતરી આપેલ છે.








































