હું એક નંબરનો ડરપોક માણસ છું. નરેશ કનોડીયા યુગ સમાપ્ત થયો તે પછી ગુજરાતી ફિલ્મ જોવામાં સખત ડર લાગતો. ઓરિજિનલ ડર. કારણ કે દરેક ફિલ્મ હોરર ફિલ્મ જ હોય. અમુક ડ્રેક્યુલાઓ પાછા નવું લાવ્યા’તા- અર્બન ગુજરાતી મૂવી. આ સુપર હોરર મૂવી પ્રકાર છે જે હકીકતમાં નરેશ કનોડીયા અને ઉપેન્દ્ર ત્રિવેદીને હોગ અથવા હોબ અર્થાત ગામડિયા સાબિત માટે ઇન્વેન્ટ કરવામાં આવ્યો હતો. એ ફિલ્મકારો ગામડિયા, અભણ હતા અને અમે સુધરેલા શહેરી -એમ કહેવા માંગતા હતા એ ડ્રેક્યુલાઓ. એટલે મેં ફિલ્મેશ્વર મહાદેવના મંદિરે જઈને પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે આવનારા ૯૨ લાખ વર્ષ સુધી આવી ગુજરાતી ફિલ્મો જોવાની નથી. પણ જાણીતા ફિલ્મ ક્રિટીક અને ઇન્ટરનેશનલ સંત શ્રી બુબૂડાનાથના અતિ આગ્રહને વશ થઈને મેં “વશ લેવલ ૨” અને તેનું હિન્દી વર્ઝન “વશ-વિવશ” રિલીઝ થયાના બે દિવસ પૂર્વે “વશ” ફિલ્મ જોઈ.
૨૦૦૩ કે ૦૪માં ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં હિતેન કુમારનો એક ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે મેં એમના ઉપર ગુજરાતી ફિલ્મોના લેવલ બાબતે ‘પ્રતાપભાઈ સ્ટાઇલ’માં પ્રેશર ક્રિએટ કર્યું હતું. ( પત્રકારોનો ત્રાસવાદ હંમેશા પ્રતાપભાઈની વિવેકપૂર્ણ સ્ટાઇલમાં જ હોય છે ! કોણે કહ્યું કે કૃષ્ણદેવ યાજ્ઞિક ઉર્ફે કેડી કંઈક નવું લાવ્યા છે?! હકીકતમાં પ્રતાપભાઈનું પાત્ર એમણે પત્રકારો ઉપરથી જ ઉપાડ્યું છે, ઉઠાવ્યું છે.) હિતેને મને કહ્યું હતું કે એકવાર “મૈયરમાં મનડું-” જોઈ નાખો અને પછી મને કહેજો. પણ મેં એમને કંઈ જ કહ્યું નહોતું. કેમ કે “મૈયરમાં મનડુ-“ને ફિલ્મ કહેવી કે કોઈના લગ્નની સીડી એ અત્યાર સુધી નક્કી થઈ શકતું ન હતું. જે રીતે સુપરસ્ટાર બનવાથી રાજેશ ખન્નાને સારા એક્ટર કહી શકાય નહીં એ રીતે ફિલ્મ સુપરહિટ જવાથી “મૈયરમાં મનડુ-” ને સારી ફિલ્મ કહી શકાય નહી. હા ભાઈ, “મૈયરમાં મનડુ-” જોવામાં મારુ મનડુ નથી લાગતું. આઈ મીન- નહોતું લાગ્યું. “મૈયરમાં મનડું-” પણ હોરર ફિલ્મ વિભાગમાં આવે છે. આ વાત સાથે તો ખતરનાક ફિલ્મ વિવેચક એવા ઇન્ટરનેશનલ સંત શ્રી બુબૂડાનાથ સહમત છે.
પણ “વશ” (૨૦૨૩) જોયા પછી સટ્ટાક કરીને એક વાત મગજમાં બેસી કે હવે બધી જ ગુજરાતી ફિલ્મોને “છગન-મગન” સમજવાની જરૂર નથી. ‘વશ’ એટલે કૃષ્ણદેવ યાજ્ઞિકની ખતરનાક સ્ટોરી, જાલીમ સ્ક્રીન પ્લે, દિવ્ય દિગ્દર્શન અને હિતુ કનોડિયા, હિતેનકુમાર, જાનકી બોડીવાલાનો જાનલેવા અભિનય. એકદમ રોમેન્ટિક ફિલ્મ. રાક્ષસી રોમાંચ…
મને મજા એ વાતની પડી કે આર્યા (જાનકી બોડીવાલા)નું અપહરણ કરવા ઇચ્છનાર પ્રતાપભાઈ (હિતેનકુમાર) એટલા બધા વિવેકી છે કે તે અથર્વ (હિતુ કનોડિયા)નો પરિવાર સર્વાનુમતે ઠરાવ પસાર કરે (બે
તૃતીયાંશ બહુમતી !) પછી જ આર્યાને લઈ જવા તૈયાર છે. અને ઠરાવ પસાર ન થાય તો પોતે અનંત સમય સુધી અહીં જ રહીને યથાશક્તિ ડખા કે મહાડખા કરવાની તૈયારી રાખે છે. કેટલી ધીરજ! વળી આર્યાને લઈ જવા પાછળ પ્રતાપભાઈનો કોઈ બળાત્કારાત્મક ઈરાદો નથી. તે આર્યાને “બેટા” કહીને, વડીલ થઈને લઈ જવા માંગે છે. આર્યાના મધર (નીલમ પાંચાલ)ને પણ તે “બેન” કહીને બોલાવે છે. ( આર્યાને બીજે ક્યાંય ક્યાં જવાનું છે? મામાને ઘેર જ તો જવાનું છે! ઈયો..!) આટલો વિવેક તો અત્યારના હીરોમાં પણ નથી હોતો! આ તો વિલન આટલો વિવેકી છે! વિલનનો આ વિવેક જ દર્શક તરીકે આપણી ડરવાની અને ફફડી ઊઠવાની ઈચ્છાઓ પૂરી કરે છે. બાકી બરોડા પાડતા વિલનો તો બહુ જોયા, હવે… હિતેને બહુ જ શાંતિથી અશાંતિ પેદા કરી છે. નીલમ જેવી ખતરનાક બ્યુટીને ‘બહેન’ કહેવા માટે ૫૬ ઇંચની છાતી જોઈએ, ભાઈ ! અહેંએં…
સોરી, ફિલ્મનો અંત મને નથી ગમ્યો. બધું પતી ગયા પછી પાછળથી થૂંકના સાંધા કર્યા હોય એવો અંત છે. પણ ઠીક છે. ફક્ત આટલી બાબતે ફિલ્મનું “જોરદારત્વ” ઘટી જતું નથી.
હા, “વશ” ઉપરથી અજય દેવગણે હિન્દીમાં બનાવેલી રીમેક “શૈતાન” (૨૦૨૪)નો અંત એકદમ ખરાબ એટલે કે સારો છે. અને આખે આખી ફિલ્મની સ્ક્રીનપ્લે તેમ જ સમગ્ર ઉઠાવ ‘વશ’ કરતા વધારે ખતરનાક અર્થાત જોરદાર છે. વિલન તરીકે આર. માધવન પણ હિતેનકુમાર કરતા જરાય ઉતરતો નથી. પણ ના, તે જાનકી બોડીવાલાની મમ્મીને ‘બહેન’ને બદલે ‘ભાભી’ કહીને બોલાવે છે એટલે હિતેનની સરખામણીમાં આર. માધવનને બે માર્ક ઓછા મળે. આમાં કંઈ ડખો થાય તો બંનેના સ્ક્રીન પ્લે રાઇટર અથવા ડાયલોગ રાઇટરે અંદરોઅંદર સમજી લેવું. ‘શૈતાન’ ફિલ્મને ક્રાફ્ટ્સ્મેનશીપની દ્રષ્ટિએ મૂળ ફિલ્મ કરતાં બે માર્ક વધુ મળે છે. આ વાક્ય વાંચીને અજય દેવગણે બહુ હરખાઈ જવું નહીં કેમકે એણે શૈતાન ૬૦થી ૬૫ કરોડના બજેટમાં બનાવી છે. અમારા ગુજરાતીઓને આટલું બજેટ મળે તો આવી છ સુપરહિટ ફિલ્મ આપી શકે. ( કદાચ વધુ અહીંયા તો પાંચ લાખમાં ફિલ્મ બનાવવા વાળા પણ પડ્યા છે.) એ એન્ગલથી જોવા બેસો તો ‘શૈતાન’ કરતાં ‘વશ’ને ૬ માર્ક વધુ મળે. ૬ જ કેમ ? ૧૦ કેમ નહીં? અરે યાર ૪ માર્ક તો “વશ” જેવા ચીલાચાલુ શીર્ષકના કપાય કે નહીં? આટલી સારી ફિલ્મ માટે ‘વશ’ એ એક બહુ જ ખરાબ શીર્ષક ગણાય. યાર, આટલી સારી ફિલ્મ બનાવો છો તો અમારી પાસે આવો. અમે ફિલ્મ શીર્ષક વેચાણ કેન્દ્ર ચલાવીએ છીએ. બહુ જ ઓછા ભાવે મોંઘા ટાઈટલ વેચીએ છીએ. વેચી મારી છીએ.
બાય ધ વે, ફિલ્મને ૭૧મો નેશનલ ગુજરાતી ફિલ્મ એવોર્ડ સાવ અમથે અમથો આપી દેવામાં નથી આવ્યો. જાનકી બોડીવાલાને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ એવોર્ડ પણ સાવ શોખથી નથી અપાયો. ‘વશ’ ફિલ્મે કમાણી પણ એવી કરી છે કે નિર્માતા, નિર્દેશક તેમજ ફિલ્મની બીજી ઘણી બધી બાબતોના સર્વેસર્વા (હોલમસોલ!) કૃષ્ણદેવ યાજ્ઞિકને તેનો બીજો ભાગ ‘વશ લેવલ ટુ’ અને તેનું હિન્દીકરણ ‘વશ વિવશ લેવલ ૨’ સારા બજેટથી અને વ્યવસ્થિત રીતે કરવાની તક મળે. જો આવી જ ફિલ્મો બનતી હોય તો હું ગુજરાતી ફિલ્મ જોવામાં શરમાવાનું બંધ કરવા માગું છું. મેં સંત શ્રી બુબૂડાનાથને કહ્યું કે ગુજરાતીમાં જો આટલી “ખરાબ” અર્થાત મને પણ જોવી ગમે એવી ફિલ્મો બનતી હોય તો હું આવનારા ૯૨ લાખ વર્ષ સુધી ચોવીસે કલાક ગુજરાતી ફિલ્મ જોવા તૈયાર છું.
એક છેલ્લી વાત, “પ્રતાપભાઈ એટલે કે એક વિવેકી રાક્ષસનો રોલ હિતેનકુમાર બહુ જ સુંદર રીતે નિભાવી શક્યા છે એમાં કોઈ મોઢામાં આંગળી નાખી જતા હોય તો એટલું બધું પ્રભાવિત થવાની જરૂર નથી કારણ કે આવો અભિનય તો હિતેનના લોહીમાં જ હોય. કેમ કે મૂળે તે પત્રકાર સમાજમાંથી ફિલ્મી સમાજમાં ગયા છે.” – આ અભિપ્રાય મારો નથી. આ શબ્દો વિશ્વવિખ્યાત ફિલ્મ વિવેચક અને આંતરરાષ્ટ્રીય સંત શ્રી બુબૂડાનાથના છે. આ બાબતે કોઈ ડખો થાય તો પત્રકારોએ એમની સાથે જ સમજી લેવું. મેં તો માત્ર એક સાદા અને સારા પત્રકાર તરીકે એમને ક્વોટ કર્યા છે, હા…