સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. દિવાળીના પર્વ નિમિત્તે યુપી અને બિહારના લોકો પોતાના માદરે વતન તરફ જવા નીકળતા હોય છે. ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૬ પાસે એક કિલોમીટર લાંબી મુસાફરોની કતારો જાવા મળી છે. લોકો રાત્રિના બાર વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યાં છે. આ કારણે મુસાફરોને ભારે અગવડતા પડી રહી છે. મુસાફરો દ્વારા ટ્રેનો વધારવા માટે માંગ કરવામાં આવી છે. પાછલા વર્ષે એક જ દિવસમાં ૬૦,૦૦૦ થી વધુ લોકોની ભીડ રેલવે સ્ટેશન પર ભેગી થઈ ગઈ હતી. ફરીવાર આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રેલવે પોલીસ અને આરપીએફ વહેલી સવારથી જ ખડેપગે છે. આ કારણે આરપીએફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં લેતા ઉધના રેલવે સ્ટશને ૧૫મી ઓક્ટોબરથી મુસાફરોની રિયલ ટાઈમ ગણતરી થશે. ભીડ વધશે તો તાત્કાલિક ક્લોન ટ્રેન દોડાવવા ૨૪ કોચ સ્ટેન્ડ બાય રખાયા છે. વંદે ભારતમાં દિવ્યાંગો માટે રેમ્પ, વ્હીલચેર સહિતની સુવિધા મળશે. સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ૬.૪૨ લાખનો દંડ વસૂલાયો છે. વેઈટિંગ એરિયામાં જ કરંટ ટિકિટ કાઉન્ટર શરૂ કરી દેવાયા છે. જેથી કરીને મુસાફરો અહીંયાથી જ ટિકિટ ખરીદીને સીધા ટ્રેનમાં જઈ શકશે. દિવાળીના તહેવાર પર વતન જતા લોકોનો ઘસારો વધી રહ્યો છે. આ કરાણે ન માત્ર રેલવે સ્ટેશન, પરંતું દિવાળીના તહેવારમાં બસ સ્ટેશન પર પણ ભારે ભીડ જાવા મળે છે. વતન જવા માટે બસોમાં એડવાન્સ બુકીંગ શરૂ થઈ ગયું છે. દિવાળી તહેવારમાં ટ્રાવેલ્સના ભાડામાં ડબલ વધારો થયો છે. ખાનગી ટ્રાવેલસમાં ૧૬ ઓક્ટોબર સુધી ટિકિટના ભાવમાં ૧૦ ટકાનો વધારો કરાયો છે. સામાન્ય દિવસમાં રાજકોટનું ભાડું ૬૦૦ થી ૬૫૦ હોય છે, જેમાં ૧૦ ટકા ભાવ વધારો થયો છે. હાલ રાજકોટ ૭૦૦ રૂપિયા થયા છે. જે દિવાળી સમયે ૧૨૦૦ સુધી ભાવ સુધી પહોંચવાની શકયતા છે. આ વિશે શ્રીનાથજી ટ્રાવેલ્સના ચેરમેન નંદલાલ કાબરાએ જણાવ્યું કે, તહેવારોમાં એક તરફની ભીડ મળતી હોવાથી ભાવ વધારો થાય છે. શહેર મુજબ કેટલા ભાવ વધ્યા તે જાઈએ. જે ૧૭ ઓક્ટોબર બાદથી લાગુ પડશે. દિલ્હીનું હાલનું ભાડું ૧૬૦૦ છે, જે ૩૩૦૦ પર પહોંચી ગયુ છે. જયપુરનું ભાડું ૨૦૦૦ થી ૩૦૦૦ રૂપિયા થયું છે. આગ્રાનું ભાડું ૧૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા થયું છે. લાતુરનું ભાડું ૨૦૦૦ રૂપિયાથી ૩૦૦૦ થયું છે. શીરડીનું ભાડું ૧૨૦૦ થી ૨૦૦૦ રૂપિયા થયું છે. ભોપાલનુ ભાડું ૧૦૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા થયું છે.








































