વડીયાના મોટી કુંકાવાવ ગામે તસ્કરોએ મંદિર સહિત એક મકાનને પણ નિશાન બનાવ્યું હતું. કુલ ૧૯,૫૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પૂજારી દલપતગીરી શાંતિગીરી ગોસ્વામી (ઉ.વ.૬૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમ તા.૩૦/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના આશરે સવા સાત વાગ્યાથી તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ સવારના આશરે પાંચ વાગ્યા દરમ્યાન મોટી કુંકાવાવ મોદી પ્લોટ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરની દીવાલ ટપી અંદર પ્રવેશ્યા હતા.મંદિરના મુખ્ય દરવાજા પાસે ખુલ્લી ઓસરીની દીવાલમાં લગાડેલ દાનપેટીનું તાળું તોડી તેમાંથી આશરે રોકડા રૂ.૪૫૦૦ તથા મંદિરની સામે આવેલા ભોળાભાઇ વઘાસીયાના નવા બનતા મકાનમાંથી મોબાઇલ કિં.રૂ.૧૫,૦૦૦ ચોરી કરી કુલ કિં.રૂ.૧૯,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.