વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના કાછડીયા પરા વિસ્તારમાં મધરાત્રિના સમયે દીપડાએ શ્વાનનું મારણ કરતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, રાત્રિના આશરે ત્રણ વાગ્યાના સુમારે દીપડો વજુભાઈ રવજીભાઈ ભુવાના ઘર પાસે આવ્યો હતો અને ત્યાં રહેલા શ્વાનનો શિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગામની આસપાસ દીપડાની હાજરીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળતા ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં તપાસ કરી દીપડાની અવરજવર પર નજર રાખવામાં આવે અને ગ્રામજનોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.







































