લાઠીના ભીંગરાડ ગામે રહેતા એક યુવકને ઈંટોનું મશીન બનાવી આપવાના બહાને સુરતના યુવકે બે લાખની છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પરેશભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.૩૮)એ મયુરભાઈ ગોપાલભાઈ પાઘડાળ સામે ફરિયાદ નોંધાવી હતી. પરેશભાઈ સોલંકીને ઈંટ બનાવવાનું મશીન ખરીદવું હતું, તેથી તેણે ઈન્ડિયન માર્ટ એપ્લિકેશન પર આરોપીનો સંપર્ક કર્યો. આરોપી સાથે વાતચીત થયા બાદ ફરિયાદીએ રૂ. ૨૨,૦૦૦ અને જીએસટીમાં નાનું મશીન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, જ્યારે ફરિયાદી રૂબરૂ મશીન જોવા માટે સુરત ગયો ત્યારે મશીન નાનું લાગતા તેણે ઓર્ડર રદ્દ કરાવ્યો હતો. આ સમયે આરોપીએ મોટું મશીન બનાવી આપવાની વાત કરી અને રૂ. ૪ લાખની કિંમત નક્કી કરી હતી. ફરિયાદીએ એડવાન્સમાં રૂ. ૨ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ આરોપીએ મશીનની કિંમત રૂ. ૧૮ લાખ થશે તેમ જણાવતા ફરિયાદીએ મશીન લેવાનો ઇનકાર કર્યો અને પોતાના એડવાન્સ પૈસા પરત માંગ્યા હતા. આરોપીએ પૈસા પરત આપવામાં વાયદાઓ કર્યા અને બાદમાં ફરિયાદીને ઉધના પોલીસ સ્ટેશનમાં મળવા બોલાવ્યો. પોલીસ સ્ટેશનમાં આરોપીએ બે હપ્તામાં પૈસા પરત આપવાની લેખિત ખાતરી આપી અને રૂ. ૧.૭૦ લાખનો ચેક આપ્યો હતો. પરંતુ, ૪ જૂન, ૨૦૨૫ના રોજ આ ચેક અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન થયો હતો. આરોપીએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.