લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી તાલુકાના પાડરશીંગા ગામના અગત્યના એપ્રોચ રોડને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૫૦ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. પાડરશીંગા ગામનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે સેવા આપે છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૧.૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ દ્વારા એપ્રોચ રોડનું સંપૂર્ણપણે રિસર્ફેસીંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે.