લાઠી તાલુકાના દહીંથરા-કાંચરડી માર્ગ પર માઇનોર બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૨.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. લાંબા સમયથી વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે ગ્રામજનોને થતી મુસાફરીની હાલાકી અને જોખમો દૂર કરવા માટે આ મહત્વપૂર્ણ બ્રિજનું વિધિવત ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, દહિંથરા-કાંચરડી માર્ગ પર વર્ષોથી વરસાદી દિવસોમાં અવરજવર અસરગ્રસ્ત બનતી હતી, પરંતુ આ બ્રિજ બનવાથી સુરક્ષિત અને સતત પરિવહન સુનિશ્ચિત થશે. આ બ્રિજ ખેડૂતભાઈઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે જીવનરેખા સમાન સાબિત થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, લાઠી તાલુકાના સર્વાંગી વિકાસ માટે માર્ગ, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓને વધારે મજબૂત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આવા પ્રોજેક્ટો દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં નવી ઊંચાઈઓ સર કરવામાં આવશે.