શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એક બાદ એક હત્યાના બનાવ સામે આવતા સમગ્ર શહેર સ્તબ્ધ થઈ ગયું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કૃષ્ણધામ ઔડાના મકાનો પાસે બન્યો છે, જ્યાં લોહીના સંબંધો લજવાયા છે. એક કળિયુગી પુત્રએ જ પોતાની સગી જનેતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કૃષ્ણધામ ઔડાના મકાનો પાસે મકાનના વિવાદને લઈ માતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ફટકા મારી પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મકાનનો વિવાદ આ હત્યા પાછળનું મુખ્ય કારણ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં પણ નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોતા પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે કાર ચાલકને બાઇક ચાલક સાથે અકસ્માત થતા થયા બાદ આ હત્યાનો બનાવ બન્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.
સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થતા અમિત વાઘેલા અને કેવલ વાઘેલા નામના શખ્સોએ ગાડીનો કાચ તોડી અલ્પેશ મહેતા નામના આધેડની હત્યા કરી નાખી છે, ત્યારે આ મામલે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતી જોઈ ભયનો માહોલ સર્જાયો છે.