ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે ૭ વિકેટથી હરાવી છે. આ જીત સાથે સીરિઝમાં ૧-૧ની બરાબરી થઈ ગઈ છે. ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૪ રન બનાવ્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડને ૨૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે ૪૭.૩ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૨૮૬ રન બનાવીને જીત હાંસલ કરી લીધી છે. ડેરિલ મિચેલની અણનમ સદી અને વિંલ યંગના ૮૭ રને મેચ પલટી નાખી હતી. આ મેચમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા પોતાની કારકિર્દીની ૮મી વનડે સદી ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. પરંતુ રાહુલના ૧૧૨ રન પણ જીત ન અપાવી શક્યા. જણાવી દઈએ કે, વડોદરામાં પહેલી મેચ ભારતીય ટીમે જીતી હતી. હવે સીરિઝનો નિર્ણાયક મુકાબલો રવિવારે (૧૮ જાન્યુઆરી) ઇન્દોરમાં રમાશે.
ટોપ ઓર્ડરની શરૂઆત ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન શુભમન ગિલે ૫૬ રન અને રોહિત શર્માએ ૨૪ રન બનાવી પ્રથમ વિકેટ માટે ૭૦ રન જાડ્યા હતા. જાકે, મધ્યક્રમમાં વિરાટ કોહલી (૨૩) અને શ્રેયસ અય્યર (૮) મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
રાહુલની લડાયક ઇનિંગ એક સમયે ભારતીય ટીમે ૧૧૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે કેએલ રાહુલે જવાબદારી સંભાળી હતી. રાહુલે ૯૨ બોલમાં અણનમ ૧૧૨ રન બનાવ્યા હતા, જેમાં શાનદાર ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે રવિન્દ્ર જાડેજા (૨૭) સાથે ૭૩ રનની અને નીતીશ કુમાર રેડ્ડી (૨૦) સાથે ૫૭ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી યુવા બોલર ક્રિશ્ચિયન ક્લાર્કે પ્રભાવશાળી બોલિંગ કરતા ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે ઝાકરી ફોલ્કેસે પણ એક સફળતા મેળવી હતી. કિવી સ્પિનરોએ વચ્ચેની ઓવરોમાં રન ગતિ પર અંકુશ રાખ્યો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં રાહુલે આક્રમક બેટિંગ કરી ભારતનો સ્કોર ૨૮૦ને પાર પહોંચાડ્યો હતો.
ભારતની પ્લેઇંગ ઇલેવનઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવનઃ ડેવોન કોન્વે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, મિચેલ હે (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ (કેપ્ટન), ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઇલ જેમિસન, જેક ફોક્સ, જેડેન લેનોક્સ