ભારત-રશિયા સંબંધોમાં નવા યુગની શરૂઆત થઈ રહી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનની ભારત યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એનર્જી સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા થયેલા કરારના પગલે બંને દેશોના સંબંધોમાં નવો યુગ શરૂ થઈ રહ્યો છે. ભારત અને રશિયાના સંબંધો બહુ જૂના છે પણ છેલ્લાં કેટલાંક વરસોથી ભારત અમેરિકા તરફ ઢળી ગયેલું. અમેરિકાએ સ્વાર્થીપણાનો પરચો આપીને ભારતને દબાવવાની કોશિશ કરી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી રશિયા તરફ ઢળવાનો નિર્ણય લઈને એક સાચી દિશાનું પગલું ભર્યું છે કેમ કે રશિયા ભારતનો લાંબા સમયનો ભરોસાપાત્ર સાથી છે.
ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે દેશની આઝાદીની લડતમાં વ્લાદિમિર લેનિન સહિતના રશિયન નેતાઓએ મદદ કરી હતી. ભારત આઝાદ થયું પછી યુએન સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રશિયા હંમેશા ભારતની પડખે રહ્યું છે. ભારતનું લશ્કર હોય કે સ્પેસ મિશન હોય, રશિયા હંમેશા ભારતને મદદ કરતું રહ્યું છે. રાજ કપૂરથી માંડીને રાકેશ શર્મા સુધીના ભારતીયોને રશિયાએ હીરો બનાવ્યા છે. હિંદી ફિલ્મો માટે રશિયાના દરવાજા ખોલીને રશિયાએ બોલિવુડને પગભર થવામાં મદદ કરેલી તો ભારતના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્મા પણ રશિયાના કારણે જ અવકાશમાં જઈ શકેલા. રશિયાએ ભારતને પરમાણુ રિએક્ટર્સ આપ્યા છે તો ફાઈટર જેટ પણ આપ્યા છે.
રશિયા અને ભારતના સંબંધો વિશે ઘણું લખી શકાય તેમ છે પણ આપણે બધા વિષયોના બદલે રશિયાએ ભારતને કરેલી ત્રણ સૌથી મોટી મદદની વાત કરીએ.

રશિયાએ ભારતને બચાવ્યું હતું.
પાકિસ્તાનમાંથી અલગ બાંગ્લાદેશની રચના માટેની ચળવળ ચરમસીમા પર હતી ત્યારે એક તબક્કે અમેરિકા અને તેના સાથી દેશો પોતાના પાલતુ પાકિસ્તાનને બચાવવા માટે ભારત સામે લશ્કરી કાર્યવાહી કરે એવો ખતરો ઉભો થયેલો. ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુધ્ધના કારણે સંબંધો તંગ હતા જ્યારે પાકિસ્તાન ચીનના પડખામાં ભરાવા માંડેલું તેથી ચીન પણ તકનો લાભ લેવા માટે જંગમાં કૂદી પડે એવો ખતરો હતો. આ બેવડા ખતરા સામે રશિયા (એ વખતના સોવિયેત યુનિયન)એ ભારતની પડખે ઉભું રહીને ભારતને બચાવેલું.
ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રશિયાના પ્રમુખ લિયોનેદ બ્રેઝનેવ સાથે ભારત-સોવિયેત મિત્રતા અને સહકાર સંધિ કરાર કર્યા હતા. ૯ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલા કરારમાં સોવિયેત યુનિયન અને ભારતના સંબંધો ગાઢ બનાવવાની સામાન્ય જોગવાઈ હતી પણ આ કરાર નવેમ્બરમાં બાંગ્લાદેશની આઝાદીનો જંગ ઉગ્ર બન્યો ત્યારે કામ આવ્યા. એ વખતે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા અને ભારતને કાબૂમાં રાખવા પોતાનો સાતમો નૌકા કાફલો રવાના કર્યો હતો. યુકેએ અમેરિકાના રવાડે ચડીને પોતાનું યુધ્ધ જહાજ HMS ઇગલ મોકલેલું કે જેમાં અમેરિકા-યુકેના સાથી દેશોના સૈનિકો હતા.
અમેરિકા ભારતને ડરાવવા માગતું હતું, પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) પાકિસ્તાનની આંતરિક બાબત છે તેથી ભારત પૂર્વ પાકિસ્તાનથી દૂર ના રહે તો અમેરિકા તથા તેના સાથી દેશો ભારત પર આક્રમણ કરી દેશે એવી આડકતરી ધમકી પોતાના યુધ્ધ જહાજો મોકલીને અમેરિકા તથા તેના સાથી દેશોએ આપી હતી.
સોવિયેત યુનિયને જવાબમાં પોતાના યુધ્ધ જહાજ વ્લાદિવોસ્તોકને મોકલતાં ઠંડા પડી ગયા. ભારતને કનડવા જતાં સોવિયેત યુનિયન જડબાતોડ જવાબ આપશે અને વિશ્વયુધ્ધ છેડાઈ જશે એવો ડર લાગતાં અમેરિકા અને યુકેએ પોતાનાં યુદ્ધ જહાજોને પાછા બોલાવી લેતાં ભારત માટે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કરી હસ્તક્ષેપ સફળ બન્યો અને ભારતે પોતાનું આર્મી મોકલીને પાકિસ્તાનના ટુકડા કરાવીને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનું સર્જન કરાવ્યું.

કાશ્મીર મુદ્દે રશિયા ભારતને પડખે રહ્યું છે.
પુતિનની યાત્રા સમયે મીડિયામાં રિપોર્ટ છપાયા કે, રશિયાએ ૧૯૫૧માં યુએન સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દે વીટો વાપરીને ભારતની મદદ કરી હતી. રશિયાએ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૭૧માં યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં લવાયેલા ભારત વિરોધી ઠરાવો સામે વીટો વાપરેલો પણ ૧૯૫૧માં વીટો નહોતો વાપર્યો પણ મતદાનમાં ગેરહાજર રહ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ ૯૧માં ભારત-પાકિસ્તાન બંને કાશ્મીરમાંથી પોતપોતાનાં લશ્કર પાછા ખેંચે અને કાશ્મીર કોને આપવું તે માટે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવાની જોગવાઈ હતી. ભારત એ વખતે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં બિન કાયમી સભ્ય હતું જ્યારે રશિયા વીટો પાવર સાથે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્ય હતું.
પાકિસ્તાનને ખુશ કરવા કાશ્મીરમાં જનમત યોજવાના ઠરાવને અમેરિકા તથા તેના સાથી દેશોએ ટેકો આપેલો જ્યારે ભારત, રશિયા અને યુગોસ્લાવિયા મતદાનથી ગેરહાજર રહ્યા હતા. ભારત પોતે જનમત માટે તૈયાર નહોતું તેથી આ ઠરાવ સ્વીકારાયો હોવા છતાં કદી તેનો અમલ ના થયો. રશિયાએ ત્યારે પણ આ ઠરાવ સામે વીટો વાપરવાની ઓફર કરી હતી પણ ભારતે જરૂર નહીં હોવાનું કહેતાં વીટો નહોતો વાપર્યો પણ ભારતની પડખે રહીને મતદાનમાં ભાગ નહોતો લીધો.
રશિયાએ ભારતની પડખે રહીને સંકેત આપી દીધેલો કે, જમ્મુ અને કાશ્મીરના મુદ્દે ભારતના વલણને રશિયા હંમેશા ટેકો આપશે. અમેરિકા તથા તેના સાથી દેશો આખું જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માટે ઉંચાનીચા થતા હતા પણ રશિયા હંમેશા ભારતને પડખે રહેતાં યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં લવાયેલા બધા ઠરાવો ઉડી ગયા હતા.
કોલ્ડવોરના એ સમયમાં ભારત સત્તાવાર રીતે અમેરિકા કે રશિયા કોઈની છાવણીમાં નહોતું પણ રશિયાએ ભારત સાથેની દોસ્તી હંમેશાં નિભાવી. કોલ્ડવોરના સમયમાં કાશ્મીરમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ અશાંતિ ઉભી કરવા બહુ પ્રયત્ન કર્યા હતા પણ રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીએ એ પ્રયત્નોને નિષ્ફળ બનાવેલા. ઈન્દિરા ગાંધીએ રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો) બનાવી તેને પણ કેજીબીએ ભરપૂર મદદ કરી હતી.

ભારતીય લશ્કરને રશિયાએ તાકાતવર બનાવ્યું છે.
દેશ આઝાદ થયો ત્યારથી ભારત અને રશિયા વચ્ચે સહકાર શરૂ થઈ ગયેલો પણ આદર્શવાદી જવાહરલાલ નહેરૂ તટસ્થ રહેવાની વાતો કરતા તેથી ભારત અને રશિયા વચ્ચે શરૂઆતના વરસોમાં લશ્કરી સહકાર નહોતો. ૧૯૬૨માં ચીનના આક્રમણ વખતે ભારતીય લશ્કરની નબળાઈઓ છતી થઈ પછી નહેરૂને લશ્કરને મજબૂત કરવાની જરૂરિયાત વર્તાઈ ત્યારે મદદ કરનારો સૌથી પહેલો દેશ રશિયા હતો.
રશિયાએ ૧૯૬૨માં ભારતમાં મિગ-૨૧ ફાઈટર જેટ બનાવવા માટેના પ્લાન્ટની સ્થાપના કરીને ભારતીય લશ્કરને મજબૂત કરવાની શરૂઆત કરી. રશિયાએ મિગ-૨૧ માટેની ટેકનોલોજી જ ભારતને ના આપી પણ ભારતમાં પ્લાન્ટ નાખીને સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાની તૈયારી બતાવીને ભારતમાં રોજગારી પણ આપી હતી. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાનના યુધ્ધને પગલે અમેરિકાએ પ્રતિબંધ લાદ્યા ત્યારે રશિયાએ ભારતને આર્ટિલરીથી માંડીને બુલેટ સુધીના બધા મિલિટરી હાર્ડવેર પૂરા પાડ્યા હતા.
રશિયાની મદદના કારણે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકારનો શરૂ થયેલો યુગ આજેય ખતમ થયો નથી. રશિયાએ ભારતને ૧૯૬૭માં ૨૦૦ એસયુ-૭ ફાઇટર બોમ્બર આપીને ભારતીય વાયુસેના IAF ને મજબૂત બનાવી. પાકિસ્તાન પાસેના જેટ કરતાં અનેક રીતે બહેતર આ ફાઈટર જેટે ૧૯૭૧ના યુધ્ધમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
૧૯૮૦ના દાયકામાં ભારતે આર્મીને મજબૂત બનાવવા માટે વૈવિધ્યકરણ શરૂ કર્યું ત્યારે સોવિયેત સંઘે ભારતને અદ્યતન શસ્ત્રો અને ટેકનોલોજી આપી, રશિયાએ ભારતને પહેલા આપેલા ટેન્ક, ફાઇટર જેટ, મિસાઇલ અને યુદ્ધ જહાજો સહિતના સાધનોને અપડેટ કર્યાં અને ૧૯૮૭માં ભારતને પરમાણુ સબમરીન ભાડે આપી હતી.
આ સહકાર સતત વધતો ગયો અને અત્યારે ભારતીય લશ્કર રશિયાના કારણે દુનિયામાં સૌથી મજબૂત લશ્કરોમાં એક છે. ભારતીય લશ્કરની મુખ્ય યુદ્ધ ટેન્ક T-૭૨ અને T-૯૦ રશિયન છે જ્યારે જી-૩૦ મુખ્ય લડાયક વિમાનો છે. ઈન્ડિયન એરફોર્સની કરોડરજ્જુ કહેવાતા આ ફાઈટર જેટ સામે કોઈ ટકી શકતું નથી. બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ વિકસાવવામાં પણ રશિયાએ ભારતને મદદ કરી છે અને તેની રેન્જ વધારવા માટે વધુ અપગ્રેડ કરવામાં રશિયા સતત મદદ કરી રહ્યું છે.
આ તો થોડાંક ઉદાહરણ છે પણ રશિયા સતત ભારતને લશ્કરી તાકાત વધારવામાં મદદ કરતું જ રહે છે. બંને દેશો વચ્ચે સહકારનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે, નવાં ક્ષેત્રોમાં પણ રશિયા મદદ કરીને ભારતને મજબૂત બનાવે.
sanjogpurti@gmail.com