ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદને વિશ્વસ્તરે હલચલ મચાવી દીધી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા બાદ ઈરાનનો નકશો પહેલા જેવો નહીં રહે. આ નિવેદનથી એ સંકેત મળી રહ્યા છે કે અમેરિકાનો હવે પછીનો વ્યૂહાત્મક ધ્યેય ઈરાનનું ‘બાલ્કનાઈઝેશન’ કરવાનો છે, એટલે કે ઈરાનને વિવિધ નાના-નાના ટુકડાઓમાં વિભાજિત કરી તેની સાર્વભૌમ શક્તિને નષ્ટ કરવી. જા અમેરિકા આ દિશામાં આગળ વધે છે, તો તેનો અર્થ એ થાય કે તે ઈરાનની અંદર રહેલા વિવિધ વંશીય જૂથો અને આંતરિક અસંતોષનો ઉપયોગ કરી તેને ભૌગોલિક રીતે તોડવા માંગે છે, જે મિડલ ઈસ્ટના રાજકારણ અને સીમાઓને કાયમ માટે બદલી શકે છે.
ઈરાનની સત્તાવાર મીડિયા પ્રેસ ટીવીના અહેવાલ અનુસાર અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા બેફામ સ્ટ્રાઈકમાં ૧૯૫થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામી ચૂક્્યા છે. જ્યારે ૬૮થી વધુ સ્કૂલોને નુકસાન પહોંચ્યું છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પાડોશી દેશો પર થયેલા હુમલા માટે અંગત રીતે માફી માંગી હતી, પરંતુ આ માફી તેમના જ દેશના કટ્ટરપંથીઓ અને કમાન્ડરોને પસંદ આવી નથી.આઇઆરજીસી એ રાષ્ટ્રપતિના વલણને ‘નબળું’ ગણાવીને હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પણ આ માફીને ઈરાનનું ‘આત્મસમર્પણ’ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિના શાંતિના વાદાની ગણતરીની મિનિટોમાં જ ઈરાની ડ્રોન્સે, કતાર અને સાઉદી અરેબિયા પર હુમલા તેજ કર્યા છે. અબુ ધાબી પાસેના અલ ધાફરા એર બેઝ અને દુબઈમાં હુમલા થયા છે, જેમાં દુબઈમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. બહેરીનમાં પણ મીના સલમાન પાસે હુમલો થતા આગ લાગી હોવાના સમાચાર છે. કુવૈતમાં તો અમેરિકન સૈનિકોના રહેવાશની બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી.
હુમલાઓથી લાલઘૂમ થયેલા યુએઈ એ ચેતવણી આપી છે કે દેશની સુરક્ષા એ ‘રેડ લાઈન’ છે અને તે કોઈ પણ હુમલાખોર સામે મજબૂત કિલ્લાની જેમ લડશે. બીજી તરફ, કતારના અમીરે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે દોહા પોતાના રાષ્ટ્રીય હિતો માટે કડક પગલાં લેતા અચકાશે નહીં. યુરોપના નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે વહેલી સવારે અમેરિકન દૂતાવાસ પાસે એક રહસ્યમય અને શક્તિશાળી વિસ્ફોટ થયો છે. ધડાકો એટલો જારદાર હતો કે આસપાસના ઘરોની બારીઓ અને દિવાલો હલી ગઈ હતી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ તપાસ તેજ કરવામાં આવી છે.









































