ગુજરાતમાં સાયબર ફ્રોડના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડનાર સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ દિવસમાં રાજ્યભરમાં કુલ ૩૬૫ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી ૨૧૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સાયબર ગુનેગારોના નાણાંકીય જાળને તોડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.મ્યુલ બેંક એકાઉન્ટ એવા ખાતાઓને કહેવામાં આવે છે, જે કોઈ વ્યક્તિ પોતાના નામે ખોલીને અન્ય લોકોને વાપરવા માટે આપે છે. આ ખાતાઓનો ઉપયોગ મોટા ભાગે સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા અને ટ્રાન્સફર કરવા માટે થાય છે. ઘણા લોકો લાલચમાં આવીને પોતાનું બેંક ખાતું ભાડે આપી દે છે, જે કાયદેસર રીતે ગંભીર ગુનો છે.અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડના કેસો ઝડપથી વધી રહ્યા છે. એક જ દિવસમાં શહેરમાં ૨૩ મ્યુલ બેંક એકાઉન્ટની ફરિયાદો નોંધાઈ, જેનાથી પોલીસ તંત્રમાં ચિંતા વધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં અનેક યુવાનો અને સામાન્ય નાગરિકો લાલચમાં આવીને પોતાના ખાતાઓનો દુરુપયોગ થવા દે છે.પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન અંતર્ગત માત્ર છ દિવસમાં ૩૬૫ મ્યુલ એકાઉન્ટ સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોના આધારે પોલીસે ૨૧૫થી વધુ આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ લોકો સાયબર ઠગાઈના મોટા રેકેટ સાથે સંકળાયેલા હતા.તપાસમાં સામે આવ્યું છે કે મ્યુલ એકાઉન્ટ્‌સનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો લાખો-કરોડોના ફ્રોડના નાણા અલગ-અલગ ખાતાઓમાં ફેરવી દે છે, જેથી તપાસ એજન્સીઓને ટ્રેસ કરવું મુશ્કેલ બને. આ માટે સમગ્ર રાજ્યમાં સંગઠિત રેકેટ કાર્યરત હોવાનું પણ ખુલ્યું છે.રાજ્ય પોલીસ અને બેંક અધિકારીઓએ નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ  કરી છે કે તેઓ ક્્યારેય પોતાના બેંક ખાતાના ટ્રાન્ઝેક્શન આઇડી, પાસવર્ડ, ઓટીપી કે એટીએમ વિગતો કોઈને પણ ન આપે. આવી માહિતી આપવી તમારા માટે કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે.પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે જા તેમના ખાતામાં અચાનક મોટી રકમ જમા થાય અને તેનો  સ્ત્રોત અજાણ્યો હોય, તો તાત્કાલિક પોલીસ સ્ટેશન અથવા સંબંધિત બેંક શાખાને જાણ કરવી. આવી ઝડપથી જાણ કરવાથી વ્યક્તિ પોતે કાયદાકીય મુશ્કેલીમાંથી બચી શકે છે.ઘણા કિસ્સાઓમાં આરોપીઓએ સ્વીકાર્યું છે કે થોડા પૈસાની લાલચમાં આવીને તેમણે પોતાનું ખાતું અન્યને આપ્યું હતું. પોલીસનું કહેવું છે કે મ્યુલ એકાઉન્ટ આપનાર પણ સાયબર ફ્રોડમાં સહઆરોપી ગણાય છે અને તેમને પણ જેલની સજા થઈ શકે છે.રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે સાયબર ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. મ્યુલ એકાઉન્ટ પૂરા પાડનાર, દલાલ અને મુખ્ય ગુનેગાર સૌ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. પોલીસ દ્વારા હવે સાયબર જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવીમાં લોકોને  મ્યુલ એકાઉન્ટના જાખમ, કાનૂની પરિણામો અને સાયબર સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી રહી છે. હેતુ એ છે કે લોકો સમયસર સચેત બનીને આવા ગુનાઓથી દૂર રહે. પોલીસનું માનવું છે કે સાયબર ફ્રોડથી બચવા માટે નાગરિકોની સાવચેતી સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ પણ લાલચભરી ઓફર, અજાણી કોલ અથવા સંદેશા પર વિશ્વાસ ન કરવો અને પોતાના બેંક ખાતાની માહિતી સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવી જરૂરી છે.