બકાના મનમાં પ્રશ્નો ઉછળતા હતા.’ બ્રાહ્મણ વગરના લગન તો હાંભળ્યા હતા. પણ, કન્યા વગરના લગન? વરરાજા વગરનાં લગન? આ વળી નવું આવ્યું.
અને, આવા લગન કરે કોણ? અને શા માટે કરે? અને આવા લગનમાં વર કન્યાનાં સંબંધીઓ કોણ હોય? ’
બકાએ આખરે બોસને મૂકીને સીધું જ અભણ અમથાલાલને પૂછી જ નાખ્યું.
‘હેં..એ.. અમથાલાલ. તમે આ નકલી લગનની વાત કરો છો, વર કન્યા વગરના લગનની વાત કરો છો પણ, આવા લગન કોણ કરે છે? અને શા માટે કરે છે?’
‘બકા, તું હજી જૂની સદીમાં જીવે છે. મોટા મોટા શહેરોમાં આવા નકલી/ફેક લગન થઇ રહ્યા છે. એમાં વરની કે કન્યાની જરૂર પડતી નથી. મતલબ! વર કન્યા હોય છે પણ, નકલી હોય છે. ભાડુતી હોય છે.’
‘પણ, આવા લગનથી શું ફાયદો? અને કોને ફાયદો?’
‘બકા, માણસો પૈસા કમાવા જેમ દુકાન શરૂ કરે એમ પૈસા કમાવા જ તો આવા લગન કરે છે. જેમાં નકલી કંકોત્રીથી માંડીને જાનૈયા, માંડવીયા હંધૂય નકલી હોય છે. માત્ર રૂપિયા જ હાચા હોય છે.’
‘હા પણ, આવા નકલી જાનૈયા, નકલી માંડવીયા બને કોણ? અને શા માટે?’
બકાના પ્રશ્નો પુરા જ નહોતા થાતા.
‘પૈસાદાર લોકોના પોયરાઓ અને પોયરીઓ. જેમણે હાચા લગનમાં ન કર્યું હોય ઈ અહીં કરે છે. મનમાં ને મનમાં રહી ગયેલી અ-તૃપ્ત વાસનાઓ એ અહીં પુરી કરે છે. ’
‘છી..છી..છી.. આવું બધું અહીં થાય છે? તો..તો.. આ લોકો કળીયુગને ’ય ટપી ગયા કહેવાય. આવું બધું જોવાય તો નહીં, પણ હંભળાય પણ નહીં.’
‘ના..ના..ના, બકા ના. તું હમજે છે એવું નહીં. અ-તૃપ્ત વાસનાઓ એટલે ખાવું, પીવું વિગેરે…’
‘પણ, અમથાલાલ ગુજરાતમાં તો દારૂબંધી છે. તો પછી આ પીવાની વાત ક્યાંથી આવી? શું પોલીસ હપ્તા લઈને આવી પરમિશન આપે છે? કે પછી પોલીસવાળાના છોકરાઓ પણ આમાં સામેલ હોય છે ?’
‘બકા આ… પીવું એટલે પાણી પીવું. ખાધાં પછી પાણી ન પીવે? એ પીવાની વાત છે. તું પાછો આડે પાટે વયો જાસો.’
‘ના અમથાલાલ ના. હું હાવ આડે પાટે ‘ય નથી હાલતો. મેં ઘણી જગ્યાએ જોયું છે. લગનમાં જેમ ઘરધણી હંધી ’ય વ્યવસ્થા કરે એમ એક ટૂકડી હારું આવી ‘ય વ્યવસ્થા કરવી પડે છે. જાણે એક પ્રણાલી જ બની ગઈ છે.
અને રે’તા- રે’તા એક પ્રથા થઈ જાહે.’
‘બકા તું હાવ ખોટો છો એવું મારું કેવાનું નથી. એવું હંધુ ’ય છાને ખૂણે કદાચ! હાલતું હશે. પણ ! ગુજરાતમાં દારૂબંધી છે, ઈ તો ના જ ભુલાય ને..!!”
‘તો તો, એવું હાદુ હાદુ તો હંધૂય બીજા લગનમાં ‘ય હોય છે. આમાં વળી નવું શું છે?’
‘તું તો ભારે ઉતાવળો..! લગનમાં ’ય ઉતાવળો અને વાત હાંભળવામાં ‘ય ઉતાવળો. મને બોલવા તો દે. આ લગન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ કરતી હોય છે. એટલે આમાં લોડેડ મનોરંજન, ફુલ્લી બોલ્ડ ડાન્સ, માથું ફાડી નાખે એવું સંગીત અને હારે..હારે..રીલ્સની ‘ય મજા.
અને આવું બધું પ્રોફેશનલ કલાકારો કરે છે. તમને મન થાય તો તમારે ‘ય જોડાઈ જાવાનું હોય છે.
ન કોઈ તમને રોકે, ન કોઈ તમને ટોકે. મન ભરીને નાચો. મન ફાવે એમ નાચો. મનમાં આવે એની હારે નાચો. અને મનમાં આવે ત્યાં સુધી નાચો.. નાચો..ને બસ નાચો.’
‘પણ, આમાં મને શું ફાયદો? હું ક્યાં આવ્યો? મારા જેવા ઘણા ‘ય ક્યાં આવ્યા??’
જો બકા, તારા જેવા કોઈને બે-ચાર કલાક માટે વર બનવું હોય, કન્યા બનવું હોય તો ઈ ‘ય સગવડ થઈ જાય. એટલે બે-ચાર કલાક તો બે-ચાર કલાક. લગન તો થાય..!!’
‘અમથાલાલ, આવા મોંઘવારીના જમાનામાં માણસને એક સામાન્ય લગનનો પ્રસંગ કરવો હોય તોય આંખે પાણી આવી જાય છે. લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તો પછી.., આટલો મોટો ખર્ચો આવા અ-તૃપ્ત માનવીઓ માટે કોણ કરતું હશે ? અને શા માટે કરતું હશે ? આ વાત મને ગળે ઉતરતી નથી.’
‘મેં પહેલા તો કહ્યું કે, આવું આયોજન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ કરે છે.’
‘તો પછી એને શું ફાયદો?’
‘બકા, આવા લગનની કંકોત્રી દેવામાં નથી આવતી. વહેંચવામાં નથી આવતી. વેચવામાં આવે છે. જેવડું મોટું આયોજન, એવડી મોટી કંકોત્રીની કિંમત. તમારે આવા લગનમાં જાવું હોય, એમાં હાજરી આપવી હોય, તો અસલી હજારો રૂપિયા ખર્ચીને કંકોત્રી લો. અને આવા નકલી લગનમાં હાજરી આપો.’
‘અમથાલાલ.. અમથાલાલ.., અત્યાર સુધી આપણે નકલી ઘી, નકલી માખણ, નકલી દૂધ, નકલી છાસ, ઈવન નકલી શું નથી? આ હંધુ ’ય સાંભળ્યું ’તું. હવે બાકી હતું તે, નકલી લગન..!?? વાહ ! રે વાહ !! માણસ. તું કેટ-કેટલો રંગ બદલીશ!?? અને ક્યારે ક્યારે રંગ બદલીશ!?? કાંઈક તો રિવાજ જેવું રે ‘વા દે. થોડો ‘ક તો ઉપરવાળાનો ડર રાખો. ’
અમથાલાલ, આવા ફેક લગનના મેળાવડાઓ આપણી પવિત્ર લગ્ન સંસ્થાને ભાંગી નાખશે હોં. kalubhaibhad123@gmail.com